27 July, 2026 04:48 PM IST | Glasgow | Gujarati Mid-day Correspondent
મીરાબાઈ ચાનુ
કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવાની હૅટ-ટ્રિક કરી, છેલ્લી બે આવૃત્તિમાં ગોલ્ડ જીત્યો એ પહેલાં ૨૦૧૪માં સિલ્વર મેડલ પણ જીત્યો હતો
મણિપુરની ૩૧ વર્ષની વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ફરી એક વખત વૈશ્વિક મંચ પર ભારતનો તિરંગો લહેરાવ્યો છે. ગઈ કાલે મહિલાઓની ૪૮ કિલો કૅટેગરીની ફાઇનલ મૅચમાં મીરાબાઈ ચાનુએ ૧૯૦ કિલો વજન ઉપાડીને ભારતને ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ 2026નો પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેણે સ્નૅચમાં રેકૉર્ડ ૮૫ કિલો અને ક્લીન ઍન્ડ જર્કમાં ૧૦૫ કિલો વજન ઉપાડ્યું હતું.
કૉમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રણ આવૃત્તિઓમાં ગોલ્ડ જીતનાર મીરાબાઈ ચાનુ જગતની પ્રથમ મહિલા વેઇટલિફ્ટર બની છે. તેણે ૨૦૨૨ અને ૨૦૧૮માં ૪૯ કિલો કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૧૪માં તેણે ૪૮ કિલો કૅટેગરીમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.
કૉમનવેલ્થ ગેમ્સમાં ભારત તરફથી અગાઉ રેસલર્સ સુશીલ કુમારે ૨૦૦૬, ૨૦૧૦, ૨૦૧૪ અને વિનેશ ફોગાટે ૨૦૧૪, ૨૦૧૮, ૨૦૨૨માં પહેલો ક્રમ મેળવી ગોલ્ડની હૅટ-ટ્રિક કરી હતી.
મીરાબાઈ ચાનુ ભારત માટે વર્લ્ડ લેવલ પર ૧૫ મોટા મેડલ જીતી ચૂકી છે. તેણે ૨૦૨૦ ટોક્યો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. કૉમનવેલ્થ ગેમ્સના ૪ મેડલ સિવાય તેણે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ, એશિયન ચૅમ્પિયનશિપમાં એક બ્રૉન્ઝ મેડલ, કૉમનવેલ્થ ચૅમ્પિયનશિપમાં ૪ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ અને સાઉથ એશિયન ગેમ્સમાં એક ગોલ્ડ મેડલ જીત્યો છે.
ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં ભારત ટૉપ-ટેનમાં સામેલ છે