‘દરરોજ સંઘર્ષ હતો’

07 September, 2021 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોવિડ ઍનિવર્સરીને સેલિબ્રેટ કરતાં આવું કહ્યું અર્જુન કપૂરે

અર્જુન કપૂર

અર્જુન કપૂરને એક વર્ષ અગાઉ કોવિડ થયો હતો. કોવિડ બાદ સ્ટ્રેંગ્થ મેળવવા માટે તેણે ફિટનેસ પર ખાસ ધ્યાન આપ્યું હતું. અર્જુન કપૂર ‘ભૂત પોલીસ’, ‘એક વિલન રિટર્ન્સ’ અને ‘કુત્તે’માં દેખાવાનો છે. કોવિડની તેની જર્ની વિશે પોતાનો વર્કઆઉટ કરતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુન કપૂરે કૅપ્શન આપી હતી કે ‘1 યર ઍનિવર્સરી! તમે વિચારતા હશો કે કઈ વસ્તુની? કોઈ ખુશીવાળી ઍનિવર્સરી નથી. હું કોવિડ પૉઝિટિવ થયો હતો એને એક વર્ષ પસાર થયું છે. ઘણા મહિનાઓ બાદ મને મારી ફિટનેસ પાછી મળી હતી. લૉકડાઉન દરમ્યાન મેં ઝૂમ સેશનના માધ્યમથી મારું રૂટીન મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો જ હતો કે મને કોવિડ થઈ ગયો. મારા જેવા માટે તો દરરોજ સંઘર્ષ હોય છે, દરેક દિવસ મહત્ત્વપૂર્ણ હોય છે, દરેક ટ્રેઇનિંગ સેશન અગત્યનું હોય છે. મને યાદ છે કે હું એ વખતે નિરાશ અને વ્યાકુળ બની ગયો હતો. હું માત્ર ભાવનાત્મક અને માનસિક રૂપે એક પરિવર્તનની રાહ પર હતો. મને એ વાતને સ્વીકારવા માટે કેટલાય દિવસો લાગી ગયા કે અનેક સાવધાની રાખવા છતાં પણ મને કોવિડ થયો. જોકે મેં મારી જાતને કહ્યું કે હું બમણી મહેનત કરીશ જેથી હું ફરીથી લેવલમાં આવી જાઉં. સ્વસ્થ થતી વખતે હું શુદ્ધ ભોજન કરવાની સાથે તન અને મનને પૂરતો આરામ આપતો હતો. હું અક્ષય અરોરાનો મારા માટે સ્વસ્થ અને મનને આનંદ આપનાર ભોજન બનાવવા માટે આભાર વ્યક્ત કરું છું. તેના કારણે જ હું પાછો આવી શક્યો છું. મારો રિપોર્ટ જ્યારે નેગેટિવ આવ્યો તો મેં મારા ટ્રેઇનર નીલની સાથે વર્ચ્યુઅલ ટ્રેઇનિંગ શરૂ કરી દીધી હતી. એનાથી મારું મનોબળ વધ્યું હતું. થોડા મહિનાઓ સુધી ધીમી અને સ્થિર રિકવરીનો ક્રમ ચાલુ રહ્યો. મેં ખૂબ મહેનત કરી. હું ફિટ રહેવા માટે ફરીથી યોગ્ય માર્ગ પર છું એ સ્વીકારવામાં મને કેટલાક મહિનાઓ લાગી ગયા હતા. મેં જ્યારે ‘ભૂત પોલીસ’નું શૂટિંગ શરૂ કર્યું તો હું મારા કામ અને ફિટનેસની દિનચર્યા પ્રતિ તાલમેલ બેસાડી રહ્યો હતો. એક વર્ષ પસાર થવા છતાં પણ હું હજી એના પર કામ કરી રહ્યો છું. જોકે મને મારી આ જર્ની પર ગર્વ છે. હું આજે જ્યાં છું ત્યાં ખુશ છું. છેલ્લા ૧૨ મહિનાઓથી હું નવા જોશની સાથે આગળ વધવા માટે આતુર છું.’

entertainment news bollywood bollywood news coronavirus covid19 arjun kapoor