20 January, 2026 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિવારે જુહી ચાવલાના પતિ જય મહેતાની ૬૫મી વર્ષગાંઠ હતી
રવિવારે જુહી ચાવલાના પતિ જય મહેતાની ૬૫મી વર્ષગાંઠ હતી. આ દિવસે જુહીએ પતિ માટે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને પતિ જયને પોતાનો સૌથી સારો મિત્ર ગણાવ્યો અને કહ્યું કે તેને જય જેવો જીવનસાથી મળ્યો છે એ માટે તે પોતાને બહુ નસીબદાર માને છે. સાથે-સાથે જુહીએ પતિના જન્મદિવસે ૧૦૦૦ વૃક્ષો વાવવાનો ખાસ સંકલ્પ પણ લીધો છે. જુહીએ સોશ્યલ મીડિયા પર પતિ જય સાથેની અનેક સુંદર અને પ્રેમભરી તસવીરો શૅર કરી છે. તેણે આ તસવીરો સાથે કૅપ્શન લખી છે, ‘તે જીવે છે, હસે છે અને સૌને સાથે લઈને ચાલે છે. એવો મિત્ર દરેકને મળે. હું બહુ ભાગ્યશાળી છું... જન્મદિવસની શુભેચ્છા જય. ૧૦૦૦ વૃક્ષો.’ અહીં ૧૦૦૦ વૃક્ષોનો ઉલ્લેખ એટલા માટે છે કારણ કે જુહીએ જયના જન્મદિવસે પર્યાવરણ માટે ૧૦૦૦ વૃક્ષ વાવવાનો નિર્ણય કર્યો છે.
સલમાન ખાન અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે ગાઢ મિત્રતા છે. હાલમાં સલમાનની ૬૦મી વર્ષગાંઠની પાર્ટીમાં ધોની પણ પરિવાર સાથે હાજર રહ્યો હતો. હાલમાં સલમાનના બનેવી અને પ્રોડ્યુસર અતુલ અગ્નિહોત્રીએ આ જન્મદિવસની તસવીરો શૅર કરી છે અને આ તસવીર સાથે કૅપ્શન લખી છે, ‘ફૅમિલી ઍન્ડ ફ્રેન્ડ્સ.’ આ તસવીરો વાઇરલ થતાં સલમાનના ફૅન્સની નજર સલમાનની બંધ મુઠ્ઠી પર પડી હતી જેમાં કેટલાકને સિગારેટ દેખાઈ હોવાનું લાગ્યું. આ પહેલાં પણ ગયા વર્ષે નવેમ્બરમાં સલમાનનો સ્ટેજ-શોના રિહર્સલ વખતે સ્મોકિંગ કરતો વિડિયો વાઇરલ થયો હતો.
અજય દેવગન ૨૦૨૦માં આવેલી પોતાની સુપરહિટ ફિલ્મ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ની વાર્તાને નવા અંદાજમાં ફરી એક વાર લઈને આવી ગયો છે. અજય દેવગન અને નિર્માતા દાનિશ દેવગને પોતાના લેન્સ વૉલ્ટ સ્ટુડિયોઝ (LVS) હેઠળ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી બની રહેલી નવી ફિલ્મ ‘બાલ તાન્હાજી’ની જાહેરાત કરી છે. આ ટેક્નૉલૉજીથી નવી પેઢી માટે વાર્તાને ફરીથી રજૂ કરવામાં આવશે.
જેનેલિયા ડિસોઝાએ હાલમાં સોશ્યલ મીડિયામાં પોતાના આનંદની લાગણી શૅર કરતાં લખ્યું છે કે તેનો નાનો દીકરો રાહિલ એક આંતરરાષ્ટ્રીય સોકર ટુર્નામેન્ટમાં ‘પ્લેયર ઑફ ધ મૅચ’નો અવૉર્ડ જીત્યો છે. તેણે રાહિલનો વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ખુશીથી અવૉર્ડ કાર્ડ પકડીને ઊભો છે. આ પોસ્ટ સાથે જેનેલિયાએ લખ્યું છે, ‘મોટા ભાગના વીક-એન્ડ સૉકરના હોય છે અને આઈ-બાબાને ખૂબ થાક લાગે છે, પણ જ્યારે આ સુંદર સ્માઇલ જોવા મળે છે ત્યારે બધી મહેનત લેખે લાગે છે અને એનાથી વધુ કંઈ મહત્ત્વનું નથી.’
પહેલી જ ફિલ્મ ‘ધુરંધર’ની સફળતા પછી સારા અર્જુનની ગણતરી બૉલીવુડની આશાસ્પદ નવોદિતોમાં થવા માંડી છે. ૨૦ વર્ષની સારા અર્જુને માત્ર પાંચ વર્ષની ઉંમરથી કામ શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ જાહેરાતોમાં કામ કરી ચૂકી છે. સારા અનેક ફિલ્મોમાં બાળકલાકાર તરીકે પણ જોવા મળી છે. જોકે હાલમાં સારાને જ્યારે એક ઇવેન્ટમાં તેના ફેવરિટ ઍક્ટરનું નામ પૂછ્યું ત્યારે સારાએ જવાબમાં તેના પહેલા કો-સ્ટાર રણવીર સિંહનું નામ લેવાને બદલે સાઉથના લોકપ્રિય ઍક્ટર વિજય દેવરકોંડાનું નામ લીધું હતું. સારાએ જવાબમાં કહ્યું કે હું વિજય દેવરકોંડાની મોટી ફૅન છું.
લાંબા સમયથી ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ અને ‘અનુપમા’ વચ્ચે પહેલા સ્થાન માટે ગળાકાપ સ્પર્ધા હતી. જોકે અત્યારના તબક્કે તો આ સ્પર્ધામાં ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’એ બાજી મારી લીધી છે. લેટેસ્ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)ના રિપોર્ટ પ્રમાણે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’એ પહેલા નંબર પરનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે પહેલામાંથી બીજા સ્થાને પહોંચી ગયેલો શો ‘અનુપમા’ હવે ત્રીજા સ્થાને આવી ગયો છે. આ TRP-રિપોર્ટમાં બીજા સ્થાને પ્રિયંકા ચાહર ચૌધરીનો શો ‘નાગિન 7’ છે. એ સિવાય ચોથા નંબરે ‘ઉડને કી આશા’ અને પાંચમા સ્થાને ‘તુમ સે તુમ તક’ છે.