Entertainment Updates: પ્રિયંકા ચોપડાએ કાચી કેરી ખાઈને અને સ્વિમિંગ કરીને માણ્યો રવિવાર

07 April, 2026 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Entertainment Updates: વહેલી સવારે ૩.૫૫ વાગ્યે સલમાન ખાને દુનિયાને બતાવ્યું પોતાનું સુખ; અર્શદ વારસી કરતાં વધારે આકર્ષણનું કેન્દ્ર બની તેની ૧૮ વર્ષની દીકરી ઝેન ઝોઈ વારસી અને વધુ સમાચાર

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

પ્રિયંકા ચોપડા અત્યારે હૈદરાબાદમાં છે અને તેણે સોશ્યલ મીડિયામાં ઘણી તસવીરો શૅર કરી છે જેમાં તે પોતાના નજીકના લોકો સાથે રવિવારનો આનંદ માણતી જોવા મળે છે. આ તસવીરોમાં તે કાચી કેરીની મજા માણતી તેમ જ સ્વિમિંગ કરતી જોવા મળે છે. આ તસવીરો સાથે પ્રિયંકાએ કૅપ્શન લખી છે કે ‘એવી થોડીક પળો જ્યારે રવિવાર ખરેખર રવિવાર જેવો લાગ્યો.’

મારી આવી હાલત ભૂતોને કારણે થઈ છે : ‘ભૂત બંગલા’ના ટ્રેલર-લૉન્ચમાં અક્ષય કુમારે ફાટેલાં કપડાંમાં હાજરી આપીને ફૅન્સને ચોંકાવી દીધા

હાલમાં અક્ષય કુમારને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘ભૂત બંગલા’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટ યોજાઈ હતી. ‘ભૂત બંગલા’ ૧૭ એપ્રિલે રિલીઝ થવાની છે અને એક દિવસ પહેલાં એના પેઇડ પ્રિવ્યુ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેલરલૉન્ચ ફંક્શનમાં અક્ષયે ફાટેલાં કોટ અને શર્ટમાં હાજરી આપીને ફોટોગ્રાફર્સ અને ફૅન્સને ચોંકાવી દીધા હતા. પોતાના આ લુકને જોઈને આશ્ચર્યમાં મુકાયેલા લોકોને જોઈને મજાકમાં અક્ષયે કહ્યું, ‘મારી આ હાલત ભૂતોને કારણે થઈ છે અને ફિલ્મ પ્રોડ્યુસ કરવાથી પણ આવું જ થાય છે.’

અર્શદ વારસી કરતાં વધારે આકર્ષણનું કેન્દ્ર બની તેની ૧૮ વર્ષની દીકરી ઝેન ઝોઈ વારસી

અર્શદ વારસીએ હાલમાં એક અવૉર્ડ-ફંક્શનના રેડ કાર્પેટ પર તેની ૧૮ વર્ષની દીકરી ઝેન ઝોઈ વારસી સાથે હાજરી આપી હતી. અહીં અર્શદ કરતાં તેની અને મારિયા ગૉરેટીની દીકરી આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઝેન ઝોઈએ પોતાની સુંદરતા અને સ્મિતથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. રેડ કાર્પેટ પરથી ઝેન ઝોઈના વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે અને નેટિઝન્સ તેની સુંદરતાની ભારે પ્રશંસા કરી રહ્યા છે. 

વહેલી સવારે ૩.૫૫ વાગ્યે સલમાન ખાને દુનિયાને બતાવ્યું પોતાનું સુખ

સલમાન ખાન સોશ્યલ મીડિયા પર ઓછો ઍક્ટિવ રહે છે, પણ તે જ્યારે કોઈ પોસ્ટ કરે છે ત્યારે ફૅન્સ વચ્ચે એ ચર્ચાનો મુદ્દો બની જાય છે. હાલમાં સલમાને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં વહેલી સવારે ૩.૫૫ વાગ્યે પોતાની લેટેસ્ટ તસવીરો શૅર કરી છે જેમાં તે પોતાના ‘સુખ’ સાથે જોવા મળી રહ્યો છે. સલમાનનું આ સુખ બીજું કોઈ નહીં પરંતુ તેનું પાળેલું કૂતરું છે. આ તસવીરમાં સલમાન પોતાના ડૉગ સાથે વહેલી સવારે સમય પસાર કરતો અને તેની સાથે મસ્તી કરતો જોવા મળે છે. અભિનેતાએ પોસ્ટ સાથે કૅપ્શન લખી છે : ૩.૫૫-મારું સુખ.

૮૪ વર્ષની ઉંમરે પણ જિમમાં આકરી મહેનત કરી રહ્યા છે રણજિત

બૉલીવુડના જાણીતા વિલન રણજિતનો વર્કઆઉટ વિડિયો હાલમાં ચર્ચામાં છે. આ વિડિયોમાં ૮૪ વર્ષના રણજિતને તેમની દીકરી એક્સરસાઇઝ કરાવતી જોવા મળે છે. રણજિતે પોતે એક વિડિયો પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે જેમાં તે જિમમાં જોરદાર મહેનત કરતા જોવા મળી રહ્યા છે. રણજિતની દીકરી તેમની જિમ-ટ્રેઇનર પણ છે અને તે પપ્પાને પ્રોત્સાહન આપતી જોવા મળે છે. 

પાકિસ્તાનીઓની ફેવરિટ બની મર્દાની 3, ૮ વર્ષ જૂની રાઝી પર થયા ફિદા

પાકિસ્તાનમાં હાલમાં OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર ભારતીય ફિલ્મોનો જબરદસ્ત ક્રૅઝ જોવા મળી રહ્યો છે. ભલે ત્યાં થિયેટરમાં બહુ ગણતરીની ભારતીય ફિલ્મો રિલીઝ થતી હોય, પરંતુ લોકો ઑનલાઇન ખૂબ રસથી આ ફિલ્મો જોઈ રહ્યા છે. આ પ્લૅટફૉર્મના ટ્રેન્ડિંગ લિસ્ટ મુજબ પાકિસ્તાનમાં ટ્રેન્ડ થઈ રહેલી ટોચની પાંચ ભારતીય ફિલ્મોમાં પહેલા સ્થાને ‘મર્દાની 3’ છે. આ પછી પાકિસ્તાની દર્શકોની પસંદગીને ક્રમવાર જોઈએ તો એમાં ‘ધુરંધર’, ‘બૉર્ડર 2’, દક્ષિણ ભારતીય ફિલ્મ ‘મેડ ઇન કોરિયા’ અને આલિયા ભટ્ટને લીડ રોલમાં ચમકાવતી ૮ વર્ષ જૂની ‘રાઝી’નો સમાવેશ થાય છે. 

entertainment news bollywood bollywood news priyanka chopra arshad warsi Salman Khan mardaani rani mukerji pakistan akshay kumar upcoming movie ranjeet