15 May, 2026 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
અમિતાભ બચ્ચન બાદ હવે રણબીર કપૂરે પણ અયોધ્યામાં જમીન ખરીદી છે. રણબીરે ‘ધ હાઉસ ઑફ અભિનંદન લોઢા’ના પ્રીમિયમ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ‘ધ સરયૂ’માં જમીન ખરીદી છે. એક રિપોર્ટ મુજબ આ જમીનની કિંમત અંદાજે ૩.૩૧ કરોડ રૂપિયા છે અને લગભગ ૨૧૩૪ સ્કવેર ફુટ વિસ્તારમાં ફેલાયેલી છે. સરયૂ નદીના કિનારે આવેલો આ પ્રોજેક્ટ લગભગ ૭૫ એકરમાં વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં ક્લબહાઉસ, ૩૫થી વધુ લાઇફસ્ટાઇલ સુવિધાઓ અને ‘ધ લીલા’ દ્વારા પાંચ એકરમાં શુદ્ધ શાકાહારી લક્ઝરી હોટેલ પણ બનાવવામાં આવશે.
શાહરુખ ખાન હાલમાં પોતાની નવી લક્ઝરી કારને લઈને ચર્ચામાં છે. હાલમાં રસ્તા પર શાહરુખની નવી, શાનદાર અને અત્યંત મોંઘી કાર જોવા મળી હતી. શાહરુખની નવી કાર કૅડિલૅક એસ્કલેડ છે, જેને અમેરિકાની સૌથી લોકપ્રિય અને શાનદાર ફુલ-સાઇઝ લક્ઝરી સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) માનવામાં આવે છે. કૅડિલૅક કંપની ભારતમાં પોતાની ગાડીઓ વેચતી નથી, તેથી આ કારને પ્રાઇવેટ્લી વિદેશથી ઇમ્પોર્ટ કરવામાં આવી છે. ભારતમાં ભારે ઇમ્પોર્ટ ટૅક્સ અને કસ્ટમ્સ ડ્યુટીના કારણે આ કારની કિંમત અંદાજે ૩.૫ કરોડથી ૪ કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે.
સૈફ અલી ખાન અને તેનો દીકરો ઇબ્રાહિમ અલી ખાન બન્ને બૉલીવુડમાં સક્રિય છે પણ એકબીજા સાથે જોવા નથી મળ્યા. જોકે હવે સોશ્યલ મીડિયા પર એક ક્લિપ ચર્ચામાં છે જેમાં બન્ને સાથે સ્ક્રીન શૅર કરી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે સૈફ અને ઇબ્રાહિમ કોઈ ફિલ્મમાં નહીં પણ જાહેરાતમાં સાથે જોવા મળશે. હકીકતમાં આ બાપ-દીકરાની જોડી પહેલી વાર એક બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે સાથે આવી છે. હાલમાં આ બ્રૅન્ડનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે સેટ પરનો આ બિહાઇન્ડ ધ સીન વિડિયો વાઇરલ બન્યો છે.
સારા અલી ખાન, આયુષ્માન ખુરાના અને રકુલ પ્રીત સિંહ તેમની આગામી કૉમેડી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો દો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં આ તમામ સ્ટાર્સ અંધેરી વિસ્તારમાં આવેલા પાણીપૂરી સ્ટૉલ પર ચાટ અને પાણીપૂરીનો આનંદ માણતાં નજરે પડ્યાં હતાં. તેમની આ પાર્ટીની તસવીરોમાં ત્રણેય કલાકારો ખૂબ જ મસ્તીભર્યા અંદાજમાં ચાટ ખાતાં અને એકબીજા સાથે મસ્તી કરતાં દેખાઈ રહ્યાં હતાં.
દીપિકા પાદુકોણ હાલમાં ‘કિંગ’ના શૂટિંગ માટે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં વ્યસ્ત હતી. હવે દીપિકા પોતાનું શેડ્યુલ પૂર્ણ કરીને મુંબઈ પરત ફરી છે અને તે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી. આ સમયે દીપિકાએ થોડો સમય રોકાઇને ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યો હતો અને તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળ્યો હતો. દીપિકાએ ઍરપોર્ટ લુક માટે સ્ટાઇલિશ ઓવરસાઇઝ્ડ કોબાલ્ટ બ્લુ કો-ઑર્ડ સેટ પસંદ કર્યો હતો. આ સાથે તેણે બ્રાઉન સનગ્લાસ અને ક્લાસિક હૅન્ડબૅગ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. ખાસ વાત તો એ છે કે દીપિકા એપ્રિલમાં શૂટિંગ માટે જવા નીકળી હતી ત્યારે પણ તેણે આ જ આઉટફિટ પહેર્યું હતું.