31 March, 2026 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન તેલુગુ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડિરેક્ટર વામસી પેડિપલ્લી સાથે કામ કરવાનો છે
સલમાન ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ને લઈને ચર્ચામાં છે અને હાલમાં તેણે પોતાની આગામી ફિલ્મની સોશ્યલ મીડિયામાં જાહેરાત કરી છે. આગામી પ્રોજેક્ટ માટે સલમાન તેલુગુ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડિરેક્ટર વામસી પેડિપલ્લી સાથે કામ કરવાનો છે અને એ ફિલ્મનું નિર્માણ દિલ રાજુ કરશે. સલમાને સોશ્યલ મીડિયા પર વામસી સાથેની એક તસવીર શૅર કરીને લખ્યું હતું કે ‘અમે દિલ, દિમાગ અને જિગર સાથે આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ફિલ્મનું નામ નક્કી નથી પણ એનું શૂટિંગ એપ્રિલથી શરૂ થશે.’ વામસી પેડિપલ્લી તેલુગુ અને તામિલ સિનેમાના સ્ટાર ડિરેક્ટર છે અને તેમણે પ્રભાસ, જુનિયર NTR, રામ ચરણ, અલ્લુ અર્જુન, નાગાર્જુન, કાર્થી, મહેશ બાબુ અને વિજય જેવા મોટા સ્ટાર્સ સાથે ફિલ્મો બનાવી છે.
‘વૉર 2’ની નિષ્ફળતા બાદ આદિત્ય ચોપડા હવે પોતાના પ્રોડક્શન-હાઉસ યશરાજ ફિલ્મ્સના બૅનર હેઠળ એક નવી રોમૅન્ટિક ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ લગભગ ફાઇનલ થઈ ગઈ હોવાનું કહેવાય છે, પરંતુ એની સાથે જોડાયેલી માહિતી હાલમાં સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ જોરશોરથી ચાલી રહ્યું છે. હજી સુધી ફિલ્મના ડિરેક્ટર અને કાસ્ટ ફાઇનલ કરવાનું બાકી છે. ચર્ચા છે કે યશ ચોપડાની જન્મજયંતી એટલે કે ૨૭ સપ્ટેમ્બરે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતાથી દર્શકો પર રણવીર સિંહનો જાદુ છવાયેલો છે. રણવીરના ફૅન્સ તેના જીવનની નાનામાં નાની વાતો જાણવામાં રસ દેખાડી રહ્યા છે. હાલમાં રણવીરની પર્સનલ લાઇફ વિશે એક રસપ્રદ હકીકત ચર્ચાનો મુદ્દો બની છે. મળતી માહિતી પ્રમાણે રણવીરના પરિવાર અને નજીકના મિત્રો તેને રૅમ્બો નામે બોલાવે છે. દુનિયા માટે તે રણવીર સિંહ છે, પરંતુ પોતાના લોકો માટે તે રૅમ્બો છે. રણવીર છેલ્લાં લગભગ ૧૬ વર્ષથી બૉલીવુડમાં સક્રિય છે. તેણે ૨૦૧૦માં ‘બૅન્ડ બાજા બારાત’થી ડેબ્યુ કર્યું હતું. ડેબ્યુ પછી રણવીરે ક્યારેય પાછા વળીને જોયું નથી અને સતત સફળતા મેળવી છે.
કરીના કપૂર હાલમાં દીકરાઓ તૈમુર અલી અને જહાંગીર અલી તેમ જ પતિ સૈફ અલી ખાન સાથે બરફના પહાડોથી આચ્છાદિત જગ્યાએ વેકેશન માણવા ગઈ હતી. કરીનાએ સોશ્યલ મીડિયામાં તેની આ ફૅમિલી-ટ્રિપની તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં કરીના અને બાળકો બરફ વચ્ચે સ્કીઇંગ કરતાં, સુંદર સાંજનો આનંદ માણતાં તેમ જ સ્વાદિષ્ટ ભોજન, પુસ્તકો, શૉપિંગ અને સ્નૅક્સની મજા માણતાં જોવા મળે છે. આ તસવીરો શૅર કરીને કરીનાએ કૅપ્શન લખી છે, ‘બરફવર્ષાથી શરૂઆત થઈ અને નાસ્તા સાથે અંત આવ્યો... આ જ હતો માર્ચ.’
અનીત પડ્ડા ‘સૈયારા’ પછી હવે ‘શક્તિ શાલિની’માં જોવા મળશે. આ ફિલ્મમાં લીડ ઍક્ટર તરીકે વિશાલ જેઠવાને સાઇન કરવામાં આવ્યો છે અને હવે આ ફિલ્મમાં વિલન તરીકે વિનીત કુમાર સિંહની એન્ટ્રી થઈ છે. વિનીત કુમાર સિંહ છેલ્લે વિકી કૌશલ સાથે ‘છાવા’માં અને સની દેઓલ સાથે ‘જાટ’માં જોવા મળ્યો હતો. ‘શક્તિ શાલિની’માં ‘સલામ વેન્કી’ પછી ફરી અનીત અને વિશાલની કેમિસ્ટ્રી જોવા મળશે. આ ફિલ્મ પહેલાં ૨૪ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પણ હવે એવી ચર્ચા છે કે ફિલ્મની તારીખ આગળ ધકેલાઈ શકે છે, કારણ કે એ જ દિવસે શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’ પણ રિલીઝ થવાની છે.
હાલમાં સંજય દત્ત એક ઇવેન્ટમાં પોતાના પરિવાર સાથે જોવા મળ્યો હતો. એ સમયે સંજય સાથે પત્ની માન્યતા અને ૨૦૧૦માં જન્મેલાં તેમનાં જોડિયાં સંતાનો શાહરાન અને ઇકરા હાજર હતાં. આ ફંક્શનમાં સંજયના દીકરા શાહરાને સૌથી વધારે લાઇમલાઇટ મેળવી હતી. શાહરાનને જોઈને સંજયના ફૅન્સ તેને ‘છોટા બાબા’ કહેવા લાગ્યા હતા, કારણ કે તેના ઘણાં ફીચર્સ સંજય દત્તને મળતાં આવે છે.