Entertainment Updates: નિમ્રત કૌર અને તમન્ના ભાટિયા ભગવાનને શરણે

13 May, 2026 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Entertainment Updates: નિમ્રત કૌરે સોમનાથ મહાદેવ, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને દ્વારકાધીશ મંદિરમાં કર્યાં દર્શન; તમન્ના ભાટિયાએ કર્યાં બાબા મહાકાલનાં દર્શન

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

નિમ્રત કૌરે સોમનાથ મહાદેવ, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને દ્વારકાધીશ મંદિરમાં કર્યાં દર્શન

ઍક્ટ્રેસ નિમ્રત કૌરે તાજેતરમાં ગુજરાતનાં પ્રખ્યાત ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. તેણે સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. નિમ્રતે સોશ્યલ મીડિયામાં આ આધ્યાત્મિક યાત્રાની અનેક તસવીરો શૅર કરી હતી. આ તસવીરો સાથે તેણે લખ્યું હતું, ‘દિવ્ય આશીર્વાદ અને અનંત કૃતજ્ઞતા, હર હર મહાદેવ.’

તમન્ના ભાટિયાએ કર્યાં બાબા મહાકાલનાં દર્શન

તમન્ના ભાટિયા ગઈ કાલે વહેલી સવારે ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિરે પહોંચી હતી. તેણે ભગવાન મહાકાલની ભસ્મ આરતીમાં સામેલ થઈને બાબાના આશીર્વાદ લીધા હતા. આ મુલાકાત દરમ્યાન તમન્ના નંદી હૉલમાં બેસીને બાબા મહાકાલની ભક્તિમાં લીન થઈ ગઈ હતી અને લગભગ બે કલાક સુધી ભસ્મ આરતીમાં હાજર હતી. આરતી પછી તમન્નાએ નંદીનું પૂજન કરીને એના કાનમાં પોતાની મનોકામના કહી હતી. એ પછી તેણે ચાંદીના દ્વારથી ભગવાન મહાકાલને પૂજારીના હાથે જળ અર્પણ કરીને આશીર્વાદ લીધા હતા. ભગવાન મહાકાલનાં દર્શન પછી તમન્નાએ પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે ‘આજે ભગવાને મને બોલાવી હતી. બાબા મહાકાલ બોલાવે તો જ ભક્તો અહીં આવે છે. અહીં આવીને ખૂબ સારું લાગ્યું. આજે જે આરતી જોવા મળી એનો અનુભવ શબ્દોમાં વર્ણવી શકતી નથી. આરતીમાં સામેલ થઈને ખૂબ ઊર્જા મળે છે. બધા લોકો એકસાથે બેસીને જે રીતે આરતી જુએ છે એવું દૃશ્ય બીજે ક્યાંય જોવા નથી મળતું.’

સલમાન ખાનને સુપરહીરો તરીકે ચમકાવતી ફિલ્મની હિરોઇન કરીના કપૂર હોવાની વાત ખોટી

હાલમાં સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન તેની આગામી ફિલ્મમાં સુપરહીરો તરીકે જોવા મળશે અને આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂરને સાઇન કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કરીનાએ ફિલ્મ સાઇન નથી કરી, પરંતુ તે આ પ્રોજેક્ટ માટે રાજી છે. જોકે હવે સામે આવી રહેલી નવી માહિતી મુજબ કરીનાને આ ફિલ્મ મળવાની વાત સંપૂર્ણપણે ખોટી છે અને તેની સાથે સલમાન કે પ્રોડ્યુસર-ડિરેક્ટરમાંથી કોઈની મીટિંગ નથી થઈ. હાલમાં ફિલ્મનું સ્ક્રિપ્ટ-રાઇટિંગ ચાલી રહ્યું છે અને નિર્માતાઓ જૂનના અંત સુધીમાં કાસ્ટિંગ-પ્રક્રિયા શરૂ કરશે. અત્યાર સુધી સલમાન સિવાય અન્ય કોઈ કલાકારનું નામ ફાઇનલ નથી થયું.

nimrat kaur gujarat somnath temple dwarka tamanna bhatia tamannaah bhatia ujjain entertainment news bollywood bollywood news Salman Khan kareena kapoor upcoming movie