29 March, 2025 06:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ સલમાન ખાનના જાનની દુશ્મન બની હોવાથી ખતરાને ધ્યાનમાં રાખીને પોલીસે સલમાનની સિક્યૉરિટી વધારી દીધી છે, પણ આ વધારાની સિક્યૉરિટીને લીધે ૫૯ વર્ષના આ ઍક્ટરની મૂવમેન્ટ નિયંત્રિત થઈ ગઈ છે અને એને લીધે તેનું રૂટીન ખોરવાઈ ગયું છે. આ વાતનો ખુલાસો તેણે બુધવારે પત્રકારો સમક્ષ કર્યો હતો.
સલમાને કહ્યું હતું કે ‘ભગવાન, અલ્લાહ સબ ઉન પર હૈ; જિતની ઉમર લિખી હૈ ઉતની લિખી હૈ, બસ યહી હૈ. હું આ બાબતે (સિક્યૉરિટી) કંઈ નહીં કરી શકું. ખલ્લાસ. એટલે જ હું ગૅલૅક્સી (ઘર)થી શૂટિંગના સ્થળે અને ત્યાંથી પાછો સીધો ગૅલૅક્સી આવું છું. ક્યાંય ચક્કર મારવાનું કે પછી કોઈ બીજા રસ્તે અવરજવર કરવાનું પણ બંધ થઈ ગયું છે.’
બિશ્નોઈ ગૅન્ગના ઇશ્યુ પહેલાં સલમાન રેગ્યુલર પોતાની સાઇકલ લઈને બાંદરામાં રાઉન્ડ મારવા નીકળી જતો હતો. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં લૉરેન્સ બિશ્નોઈના બે શૂટરોએ વહેલી સવારે સલમાનના ઘરની દીવાલ પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ સલમાને પોતાની બાલ્કનીમાં બુલેટપ્રૂફ કાચ લગાવી દીધા છે તેમ જ તેના ઘરની આસપાસના સંપૂર્ણ વિસ્તારમાં ક્લોઝ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા બેસાડી દેવામાં આવ્યા છે.