ચીનમાં કોવિડ-19 જેવો નવો વાઇરસ શોધાયો

15 June, 2021 01:17 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચામાચીડિયામાં નવા પ્રકારનો કોરોના વાઇરસ મળ્યાનો વિજ્ઞાનીઓનો દાવો છે કે પછી ચીનની આ કોઈ નવી ચાલાકી છે?

પ્રતીકાત્મક તસવીર

૨૦૧૯ની સાલમાં ચીનના વુહાન પ્રાંતમાં પહેલી વાર મળી આવેલા (કે પેદા કરીને લીક કરવામાં આવેલા?) કોરોના વાઇરસ જેવા જ નવા જૂથના વાઇરસ ચામાચીડિયામાં મળ્યા હોવાનો ચીની વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે. આ નવા કોરોના વાઇરસ સાર્સ-કોવ-ટૂ પ્રકારના વિષાણુની ખૂબ નજીકના હોવાનું મનાય છે.

ચીની સંશોધકોએ યુન્નાન પ્રાંતના જંગલોમાં રહેતા કેટલાક ચામાચીડિયાનાં મળ-મૂત્ર તેમ જ થૂંકના સૅમ્પલ્સ મેળવીને એના પર જે સંશોધન કર્યું એમાં તેમને કોરોના જેવા જ વાઇરસ મળી આવ્યા હતા. વિજ્ઞાનીઓએ નોવેલ કોરોના વાઇરસના ૨૪ જીનોમ (જીનના સમૂહ) એકત્રિત કર્યા હતા જેમાં સાર્સ-કોવ-ટૂ જેવી ચાર બીમારી (ચાર વાઇરસ)નો સમાવેશ હતો.

વિજ્ઞાનીઓના મતે આ એવી શોધ છે જેનાથી દુનિયાએ ચેતવા જેવું છે, કારણકે આ વિષાણુ ચામાચીડિયાઓમાં ફેલાતા રહેતા હશે અને વ્યાપક પ્રમાણમાં ફેલાતાં માનવજાત ફરી મુશ્કેલીમાં મુકાઈ શકે.

કોરોના પહેલાં ઇબોલા વાઇરસ પણ ચામાચીડિયામાંથી જ ફેલાયા હતા.

china beijing coronavirus covid19 covid vaccine international news