29 August, 2026 09:00 AM IST | Lhasa | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્રના ૩૭ જેટલા યાત્રાળુઓ શુક્રવારે સવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મદદથી કાઠમાંડુ જવા રવાના થયા હતા
કૈલાસ-માનસરોવરની યાત્રા પૂરી કર્યા પછી નેપાલના મહાપૂર વચ્ચે તિબેટમાં ફસાયેલા મહારાષ્ટ્રના ૩૭ જેટલા યાત્રાળુઓ શુક્રવારે સવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મદદથી કાઠમાંડુ જવા રવાના થયા હતા.
ચીફ મિનિસ્ટર્સ ઑફિસ (CMO)ના કહેવા મુજબ આ ગ્રુપમાં થાણે, પુણે, રાયગડ, અલીબાગ અને ડોમ્બિવલીના યાત્રાળુઓનો સમાવેશ થતો હતો. આ ગ્રુપ સવારે ૬ વાગ્યે ન્યાલમ ચેકપોસ્ટ દ્વારા સાગા, તિબેટથી રવાના થયું હતું અને નેપાલની રાજધાની કાઠમાંડુ તરફ સુરક્ષિત મુસાફરી કરી હતી. કાઠમાંડુથી તેમની પાછા ફરવાની ફ્લાઇટ ૨૯ ઑગસ્ટે બપોરે બે વાગ્યે નક્કી કરવામાં આવી હતી.
યાત્રાળુઓ નીતિન શિર્કે અને રાકેશ જીતેકરે મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રવીન્દ્ર ચવાણ દ્વારા દેવેન્દ્ર ફડણવીસને તેમની પરિસ્થિતિ વિશે જાણ કરી હતી. તેમની દુર્દશાની જાણ થતાં મુખ્ય પ્રધાને તાત્કાલિક અધિકારીઓને જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. એને પગલે રાજ્ય સરકારે તાત્કાલિક મિનિસ્ટ્રી ઑફ એક્સટર્નલ અફેર્સ (MEA) સાથે કો-ઑર્ડિનેટ કર્યું હતું. મંત્રાલયે તેમને તાત્કાલિક જરૂરી સહાય પૂરી પાડી હતી. યાત્રાળુઓએ કટોકટી દરમ્યાન ઝડપી મદદ કરવા બદલ દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર સરકાર અને MEAનો આભાર માન્યો હતો.
મુંબઈના કપોળ સોશ્યલ ગ્રુપના ૯૨ લોકો AD ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ સાથે કૈલાસ-માનસરોવરની યાત્રાએ ગયેલા. ગ્રુપના એક સભ્યે તેમના ગ્રુપની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારત સરકારે લીધેલાં પગલાંને લીધે અહીંની ચાઇનાની ઑથોરિટીએ અમને હિલ્સા બૉર્ડરથી હેલિકૉપ્ટરની વ્યવસ્થા કરી આપી છે. ૪૦ મિનિટમાં ૧૨-૧૩ જણને મૂકીને હેલિકૉપ્ટર પાછું આવે છે. આજે અમે બધા જ સિમિકોટ પહોંચી જઈશું. ત્યાંથી નાના જેટ પ્લેનમાં નેપાલગંજ પહોંચીશું અને મોટા ભાગે શનિવારે કાઠમાંડુ પણ પહોંચી જઈશું. વી ઑલ આર સેફ, થૅન્ક્સ ટુ ઇન્ડિયન ગવર્નમેન્ટ.’
ગઈ કાલે સવારે લેક ફાટી શકે છે એવી ચેતવણી મળતાં ધાદિંગ વિસ્તારમાંથી કેટલાક ટૂરિસ્ટો પહાડના ટૂંકા અને ઊબડખાબડ રસ્તે સામાન લઈને ઝડપથી સેફ સ્થળે પહોંચ્યા હતા
બુધવારે નેપાલમાં આવેલા મહાપૂર બાદ ફરીથી તિબેટમાં એક પાણીનો ડૅમ ફાટ્યો છે. બુધવારની ઘટના બાદ બે દિવસ પછી નેપાલ પોલીસે ફરીથી ચેતવણી આપીને સ્થાનિકો, તમામ સુરક્ષા-કર્મચારીઓ અને બચાવ-કાર્યકરોને તાત્કાલિક સતર્ક રહેવા, સલામત સ્થળે જવા અને અન્ય લોકોને જાણ કરવા વિનંતી કરી છે. ચીને ગુરુવારે ચેતવણી આપી હતી કે બૅરિયર લેક છલકાઈ જવાથી બીજી વાર પૂર આવી શકે અેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
ચીની અધિકારીઓ પાસેથી જાણકારી મળ્યા બાદ નેપાલ પોલીસે હાઈ અલર્ટ જાહેર કરી દીધું છે. નદીકિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે જવા સૂચના આપી દેવામાં આવી છે. આ વિશાળ લેક ચીનમાં ચોચેન ખોલા અને પુરેપુ ત્સાંગપો નદીઓના સંગમ નજીક રચાયું હતું. ચોચેન ખોલા અને પુરેપુ ત્રિશૂલી નદીપ્રણાલીની ઉપરની ઉપનદીઓ તરીકે ઓળખાય છે. આ નદીઓનું પાણી ઝડપથી ત્રિશૂલી નદીમાં વહી રહ્યું છે જેના કારણે નદીનાં પાણીના સ્તરમાં અચાનક વધારો થવાની અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વિનાશ થવાની સંભાવના છે. આ કારણોસર ત્રિશૂલી નદીકિનારે આવેલાં તમામ ગામો અને વસાહતોને ખાલી કરવા અને સતર્ક રહેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.