08 August, 2025 01:38 PM IST | Seoul | Gujarati Mid-day Correspondent
૧૩ વર્ષની રિધમ મામણિયા
સાઉથ કોરિયામાં યોજાયેલી વીસમી એશિયન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં વરલીમાં રહેતી ૧૩ વર્ષની રિધમ મામણિયાએ ગોલ્ડ જીતીને ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તર પર રોશન કર્યું છે. આ પહેલાં ૬ વાર તે નૅશનલ વિનર રહી ચૂકી છે અને એમાં પણ પાંચ વાર તો તે ગોલ્ડ મેડલ જીતી હતી. રિધમે રોલર સ્કેટિંગ સાથે સોલો ફ્રી ડાન્સ કૉમ્પિટિશનમાં ભાગ લીધેલો. ગયા માર્ચ મહિનાના અંતમાં તાઇવાનમાં યોજાયેલી કૉમ્પિટિશનમાં રિધમે પોતાનો પહેલો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ પછી રિધમ એશિયન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપની તૈયારીમાં લાગી ગઈ હતી અને આ જ વર્ષે ફરી સારું પર્ફોર્મ કરીને તેણે તેનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યાં સમગ્ર એશિયાથી જુદા-જુદા દેશના લોકોએ ભાગ લીધો હતો.
રિધમે આ કૉમ્પિટિશનમાં ‘શિવાય’ ફિલ્મના ‘બોલો હર-હર-હર’ ગીત પર પર્ફોર્મ કર્યું હતું. માથે અંબોડો અને એમાં ફૂલોની વેણી સાથે તેણે ભગવાન શિવના ગીત પર નટરાજની સ્તુતિ કરતી હોય એ રીતે પર્ફોર્મ કર્યું. રિધમનો એ પર્ફોર્મન્સ તેણે યુટ્યુબ પર પોતાની ચૅનલ પર અપલોડ કર્યો છે. આ ડાન્સની કોરિયોગ્રાફી મુનિશ કોટિયને કરેલી. પોતાની સફળતા વિશે વાત કરતાં રિધમ કહે છે, ‘આંતરરાષ્ટ્રીય સ્તર પર જો હું મારા દેશને પ્રેઝન્ટ કરી રહી હોઉં તો એનાથી વધુ સારું શું હોઈ શકે? ભલે હું રોલર સ્કેટિંગ પર ડાન્સ કરી રહી છું પણ એમાં પણ હું મારો દેશ અને અહીંની સંસ્કૃતિની છબી સ્પષ્ટ દેખાય એ પ્રયાસ કરવા માગતી હતી. મારા માટે હંમેશાં દેશ પહેલાં અને પછી હું. મારી આ આર્ટિસ્ટિક સ્પોર્ટ્સ થકી જો હું દેશ માટે કંઈ પણ કરી શકી તો એક કલાકાર તરીકે હું ધન્યતા અનુભવીશ. હું ખૂબ મહેનત કરીશ. મારા બનતા પ્રયત્નો થકી વધુ ને વધુ સારું કરવાની કોશિશ કરીશ.’
કચ્છી વીસા ઓસવાળ સમાજની આ દીકરીએ ૩ વર્ષની ઉંમરથી બેઝિક સ્કેટિંગ શીખવાનું શરૂ કર્યું હતું. ૭ વર્ષની ઉંમરથી તેણે પ્રબોધાન ઠાકરે ક્રીડા સંકુલ, અંધેરીમાં કોચ શ્રીમતી આદેશ સિંહ પાસે શરૂ કર્યું. અત્યારે પણ તેમના જ માર્ગદર્શન હેઠળ તે આગળ વધી રહી છે. આઠ વર્ષની હતી જ્યારે તેણે નૅશનલ ટુર્નામેન્ટમાં પહેલી વાર ભાગ લીધો હતો. હવે તે વધુ ને વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ્સમાં ભાગ લેવા ઇચ્છે છે.