બનાવટી વૅક્સિન કૌભાંડનો ભોગ બનેલા હીરાનંદાની હેરિટેજના રહેવાસીઓને બીએમસી આજે આપશે વૅક્સિન

24 July, 2021 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સમાચાર હીરાનંદાની હેરિટેજના અસરગ્રસ્તોને મળતાં તેમણે હાશકારો અનુભવ્યો હતો

હીરાનંદાની હેરિટેજ

મુંબઈ મહાનગરપાલિકાએ ગઈ કાલે કાંદિવલી (વેસ્ટ)ની હીરાનંદાની હેરિટેજ સોસાયટીના બનાવટી વૅક્સિનેશનના અસરગ્રસ્ત ૩૯૦ રહેવાસીઓને અધિકૃતપણે વૅક્સિન આપવાની જાહેરાત કરી હતી. આ સમાચાર હીરાનંદાની હેરિટેજના અસરગ્રસ્તોને મળતાં તેમણે હાશકારો અનુભવ્યો હતો. આ વેક્સિન આજે સવારથી કાંદિવલી (વેસ્ટ)ના મહાવીરનગરમાં આવેલી એમિનિટી માર્કેટમાં મહાનગરપાલિકા તરફથી આપવામાં આવશે.

હીરાનંદાની હેરિટેજના ૩૯૦ રહેવાસીઓને ૩૦ મેએ ૧૨૬૦ રૂપિયા લઈને બનાવટી વૅક્સિન આપવામાં આવી હતી. રહેવાસીઓને તેમની સાથે બનાવટ થઈ હોવાનો અણસાર આવતાં તેમણે કાંદિવલી પોલીસમાં અને મહાનગરપાલિકામાં આ બાબતની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ પોલીસે બનાવટી રસીના પ્રકરણમાં સંકળાયેલા લોકોની ધરપકડ કરીને આખા પ્રકરણનો પર્દાફાશ કર્યા હતો. હીરાનંદાની હેરિટેજની જેમ જ આ લોકોએ બીજી નવ જગ્યાએ બનાવટી વૅક્સિનના કૅમ્પ યોજીને સેંકડો લોકો સાથે છેતરપિંડી કરી હતી.

મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસની તપાસ પછી અમે જે નાગરિકો બનાવટી વૅક્સિન પ્રકરણને કારણે છેલ્લા બે મહિનાથી ટેન્શનમાં જીવી રહ્યા હતા તેમને હવે આજે અધિકૃત રીતે વૅક્સિન આપીને ટેન્શનમુક્ત કરીશું. આના માટે અમે રાજ્ય સરકારની પણ પરવાનગી લીધી છે.’

આજના કૅમ્પની અચાનક જાહેરાત થતાં અનેક રહેવાસીઓ અત્યારે અંધારામાં છે એવી જાણકારી આપતાં આ આખા પ્રકરણમાં પહેલા દિવસથી સક્રિય રહેલા દિનેશ ઝાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાનગરપાલિકાએ આજના કૅમ્પની જાહેરાત થોડી વહેલી કરવાની જરૂર હતી. મારા જ પરિવારમાં એક સભ્ય અત્યારે બહારગામ છે. બીજું, અમુક રહેવાસીઓએ આ પ્રકરણમાં ગૂંચવાયા વગર જ ફરીથી વૅક્સિન લઈ લીધી હતી. તેમને કોઈ ચાન્સ લેવો નહોતો. નો ડાઉટ, આજના કૅમ્પથી અનેક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.’

mumbai mumbai news coronavirus covid19 covid vaccine vaccination drive kandivli brihanmumbai municipal corporation