31 October, 2024 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શંભુલાલ મંગે
મુલુંડ-વેસ્ટના એલબીએસ રોડ પરના રુણવાલ ઍન્થુરિયમ ટાવરમાં રહેતા ૭૦ વર્ષના શંભુલાલ મંગે મંગળવારે સવારે સાડાદસ વાગ્યે લોહીલુહાણ હાલતમાં મુલુંડના પ્લૅટફૉર્મ નંબર ચાર પર મળી આવ્યા હતા. ઇલાજ માટે તાત્કાલિક તેમને નજીકની હૉસ્પિટલમાં ખસેડતાં હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસે (GRP) હાલમાં ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધ કરી તપાસ હાથ ધરી છે. શંભુલાલના ખિસ્સામાંથી પ્લૅટફૉર્મ-ટિકિટ મળી હતી. તેઓ શું કારણસર સ્ટેશન પર આવ્યા હતા એની ચોક્કસ માહિતી પોલીસને ન મળતાં આ અકસ્માત છે કે આત્મહત્યા એની તપાસ હાથ ધરવામાં આવી છે.
મંદિરે જઈને આવું છું એમ કહી ફુઆ સવારે ઘરેથી નીકળ્યા હતા એમ જણાવતાં શંભુલાલના ભત્રીજા અનિલ ભદ્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સવારે રોજિંદા ક્રની જેમ ફુઆએ ઘરે નાસ્તો કર્યો હતો. એ પછી મંદિર જઈને આવું છું એમ કહીને દસ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યા હતા. ત્યાર બાદ કલાકો સુધી તેઓ પાછા ઘરે ન આવતાં તેમને ફોન કરવામાં આવ્યો ત્યારે અજાણ્યા યુવાને ફોન ઉપાડીને ફુઆનો અકસ્માત થયો હોવાની જાણ અમને કરી હતી એટલે અમે તાત્કાલિક હૉસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના માથા પર વધુ માર લાગતાં તેમનું મૃત્યુ થયું હોવાનો અહેવાલ ડૉક્ટરે અમને આપ્યો હતો. જોકે તેઓ સ્ટેશન પર કેમ ગયા અને કોને મળવા ગયા એની કોઈ જ માહિતી અમારી પાસે નથી. થોડા દિવસ પહેલાં તેમને એક નાની બીમારી થઈ હતી જેનો પણ ઇલાજ યોગ્ય રીતે થઈ ગયો હતો, હાલ તેઓ એકદમ સ્વસ્થ હતા. તેમને એક આંખે ઓછું દેખાતું હતું એટલે એવું હોઈ શકે કે તેમને ટ્રેન ન દેખાઈ હોય અને તેઓ ફાસ્ટ ટ્રેનથી ટકરાઈ ગયા હોય.’
પ્રાથમિક માહિતીના આધારે આ આત્મહત્યા છે કે અકસ્માત એની અમે તપાસ કરી રહ્યા છીએ એમ જણાવતાં કુર્લા GRPના સિનિયર ઇન્સ્પેક્ટર સંભાજી યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૃત્યુ પામનાર વ્યક્તિના ખિસ્સામાંથી અમને પૈસા સહિત પ્લૅટફૉર્મ-ટિકિટ મળી હતી એટલે તેઓ શું કારણથી સ્ટેશન પર આવ્યા હતા એ કારણ અમને નથી મળ્યું. ઉપરાંત મોટરમૅનના સ્ટેટમેન્ટમાં પણ અમને કંઈ નથી મળ્યું, કારણ કે આ ઘટના ટ્રેન પ્લૅટફૉર્મ પર આવ્યા બાદ થઈ છે. વધુ તપાસ માટે અમે સ્ટેશન વિસ્તારમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની તપાસ કરીશું, એ પછી બધું ક્લિયર થશે.’