29 March, 2025 06:47 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઉદયનરાજે ભોસલેએ ગઈ કાલે દિલ્હીમાં અમિત શાહની મુલાકાત કરી હતી.
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી મહાપુરુષોનું અપમાન અને ઔરંગઝેબનાં ગુણગાન કરનારાં નિવેદનો થઈ રહ્યાં છે એટલે છત્રપતિ શિવાજી મહારાજ સહિતના મહાપુરુષોનું અપમાન કરનારાઓ સામે બિનજામીનપાત્ર ગુનો નોંધીને તેમને ૧૦ વર્ષની સજા થાય એવો કાયદો બનાવવાની માગણી છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળીને ગઈ કાલે કરી હતી. આ સિવાય ઉદયનરાજેએ ઐતિહાસિક ફિલ્મો માટે સેન્સર બોર્ડ ઉપરાંત ઐતિહાસિક નિષ્ણાતોની સમિતિની બનાવવાની રજૂઆત પણ કરી હતી.
અમિત શાહ સાથેની બેઠક વિશે ઉદયનરાજે ભોસલેએ પત્રકારોને કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજે સર્વધર્મ સમભાવનો વિચાર કરીને સ્વરાજની સ્થાપના કરી હતી. તેમણે રાજ્યના કારભારમાં જનતાને સહભાગી બનાવીને લોકશાહીનો પાયો નાખ્યો હતો. તેમણે લોકોના કલ્યાણ માટે જીવન ખપાવ્યું; પરંતુ કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો ખૂબ જ ગંદી રીતે શિવરાય, છત્રપતિ સંભાજી મહારાજ અને રાજમાતા જીજાબાઈનું અપમાન થાય એવી ટિપ્પણી કરે છે. આવાં નિવેદનોથી કાયદો અને વ્યવસ્થા ખરાબ થવાની સાથે સમાજનું વિભાજન થાય છે. આવા લોકોનું મોઢું બંધ કરાવવાની તાકાત શિવપ્રેમીઓમાં છે, પણ અમે સંયમ રાખ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહાપુરુષોનું અપમાન કરનારાઓ સામે કડક કાયદો બનાવીને તેમને ૧૦ વર્ષની સજા થાય એવી જોગવાઈ કરવી જોઈએ. સરકાર આવો કાયદો નહીં બનાવે તો કોઈ પણ શિવાજી મહારાજ જેવા મહાપુરુષનું અપમાન કરતું રહેશે. બીજું, છત્રપતિ શિવાજી મહારાજ સહિતના મહાપુરુષો પર ફિલ્મ, ટીવી-સિરિયલ, વેબસિરીઝ અને ડૉક્યુમેન્ટરીઓ બની રહી છે એને સેન્સર બોર્ડ મંજૂરી આપે છે; પણ ઘણી વાર ઐતિહાસિક પુરાવા ઉપરાંતની રજૂઆત કરવામાં આવે છે ત્યારે વિવાદ થાય છે. આથી સરકારોએ આ માટે ઇતિહાસના જાણકારોની એક સમિતિ બનાવી જોઈએ, જે સેન્સર બોર્ડને ઐતિહાસિક તથ્યોની માહિતી આપશે તો વિવાદ ટાળી શકાશે.’