કોરોનાની ટેસ્ટ પૉઝિટિવ આવતાં ડરેલો યુવાન બે દિવસ ભાગતો ફર્યો

13 June, 2021 07:59 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

કોવિડ સેન્ટરમાં સારવાર લેવા જવાની વાતથી ગભરાઈને તે ઘરેથી ગાયબ થઈ ગયો હતો : પાછો આવીને કોવિડ સેન્ટરમાં દાખલ થયો : નવાઈની વાત એ છે કે તેનું હજી સુધી કૉન્ટૅક્ટ ટ્રેસિંગ નથી કરાયું

પ્રતીકાત્મક તસવીર

ભાઈંદર (ઈસ્ટ)માં સ્ટેશન રોડ પાસે રહેતો ૨૧ વર્ષનો યુવાન સાંતાક્રુઝ ગયો હતો. ત્યાં તેને પકડીને સુધરાઈએ ઍન્ટિજન ટેસ્ટ કરી હતી. એ ટેસ્ટ પૉઝિટિવ આવતાં તેના પેરન્ટ્સને તેણે ફોન કરીને જાણ કરી હતી. તેમણે ઘરે આવીને સારવાર લેવાની વાત કરતાં તેણે ના પાડી દીધી હતી. જોકે, ત્યાર બાદ તે ભાઈંદર પોતાના ઘરે આવતાં ​પરિવારે તેને દરવાજા પર જ ઊભો રાખ્યો અને કોવિડ સેન્ટરમાં સારવાર લેવા જઈએ એમ કહેતાં તે હું આવું છું એમ કહીને જતો રહ્યો હતો અને છેક બે દિવસે ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ પણ તે સારવાર લેવા જવા તૈયાર નહોતો. સ્થાનિક સમાજસેવક અને પરિવારે ઘણો સમજાવ્યા બાદ તે સારવાર લેવા ઍડ્મિટ થયો હતો. આ બધા વચ્ચે આ યુવાન બે દિવસ ક્યાં હતો અને તે કોના સંપર્કમાં આવ્યો હતો એની માહિતી મળી ન હોવાથી તેણે કેટલા લોકોને આ ચેપ લગાવ્યો હશે એને લઈને તર્કવિતર્ક થઈ રહ્યા છે. સુધરાઈ દ્વારા પરિવારના સભ્યોની આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી હતી જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

ભાઈંદરમાં રહેતા ટીજેનરના પિતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોરોનાને કારણે બાળકો ઘરમાં રહીને કંટાળી ગયાં છે. તેમને ગમે એટલું સમજાવીએ છતાં તેઓ સમજવા તૈયાર નથી. મારો દીકરો સાંતાક્રુઝમાં રહેતાં તેનાં નાના-નાનીના ઘરે શુક્રવારે ગયો હતો. ટ્રેનથી ગયો હોવાથી સ્ટેશનની બહાર ઊતરતાં તેને પકડીને તેની ઍન્ટિજન ટેસ્ટ કરવામાં આવી હતી. તેના આધાર કાર્ડમાં તેની મમ્મીનો નંબર લિન્ક હોવાથી સુધરાઈ દ્વારા તેના મમ્મીના નંબર પર ફોન આવ્યો હતો અને દીકરો કોવિડ પૉઝિટિવ હોવાનું કહેવાયું હતું. સુધરાઈએ અમને દીકરાને કોવિડ કૅર સેન્ટરમાં સારવાર માટે ઍડ્મિટ કરવાનું કહ્યું હતું. એથી મેં દીકરાને ફોન કર્યો કે તારો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે તો તું ઘરે આવી જા, આપણે બીજી વખત ટેસ્ટ કરાવીશું. જોકે તે એટલો ગભરાઈ ગયો હતો કે આવવા તૈયાર નહોતો. સાંતાક્રુઝમાં પણ તેને અલગ સૂવડાવ્યો હતો.’

તેને ઘણો સમજાવ્યો, પણ તે આવવા તૈયાર નહોતો એમ જણાવીને યુવાનના પપ્પાએ કહ્યું હતું કે ‘અંતે તે રવિવારે ઘરે આવ્યો હતો. હું વૉશરૂમમાં હોવાથી મારી પત્નીએ તેની સાથે વાત કરી હતી. ઘરે આવતાં તેને દરવાજા પર જ ઊભો રાખ્યો હતો અને ટેસ્ટ કરાવી લઈએ એવી વાત કરી હતી. તે મારી પત્નીને હું થોડી વારમાં પાછો આવું છું એમ કહીને જતો રહ્યો હતો. ત્યાર બાદ તેનો સતત સંપર્ક કરવા છતાં તે ઘરે આવ્યો નહોતો. દરમિયાન સુધરાઈમાંથી અમને ફોન આવ્યો ત્યારે અમે તેમને કહ્યું કે તે આવ્યો નથી, આવે એટલે તરત જ ઍડ્મિટ કરાવીશું. એ દરમિયાન તેણે મને કોઈના મોબાઇલથી ફોન કર્યો, પણ વાત કરી નહીં. અંતે મંગળવારે તે ઘરે આવ્યો, પરંતુ ત્યાર બાદ પણ તે ઍડમિ્ટ થવા તૈયાર નહોતો. એથી મેં મારા ઘર પાસે રહેતા સમાજસેવક જિતેશ વોરાને બોલાવ્યા હતા. તેમણે તેને શાંતિથી સમજાવતાં તેણે અમારી વાત માની હતી અને ઍડ્મિટ થયો છે.’

સમાજસેવક જિતેશ વોરાએ કહ્યું હતું કે ‘ઘરે આવ્યા બાદ અમે તેને ખૂબ સમજાવ્યો કે કોવિડ સેન્ટરમાં તેના જેટલા અનેક યુવાનો સારવાર લે છે. ત્યાં જઈને ફક્ત મેડિસિન આપે એ ખાવાની રહેશે. ત્યાં ઘર જેવું જ વાતાવરણ મળશે. અમે દિવસના અનેક લોકોને ઍડ્મિટ કરાવીએ છીએ. આવી અનેક વાતો કર્યા બાદ અંતે તે ઍડ્મિટ થવા રાજી થયો હતો. જોકે બે દિવસ ક્યાં હતો, કેવી રીતે ગયો એની કોઈ માહિતી તે માનસિક રીતે તૈયાર ન હોવાથી અમે પરિસ્થિતિના હિસાબે તેને પૂછી નહીં અને તેણે કહી પણ નહોતી.’

મહાનગરપાલિકાનું શું કહેવું છે?
રામદેવ પાર્કમાં આવેલા સમૃદ્ધિ કોવિડ કૅર સેન્ટરના ઇન્ચાર્જ ડૉ. ચકોરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દરદીના નામ સાથે અન્ય માહિતી મોકલી આપો જેથી એને સંબંધિત વિભાગના ઑફિસરને મોકલવામાં આવશે. કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરવાનું કામ જેને સોંપવામાં આવ્યું છે તેમને એ વિશે તપાસ કરવાનું કહેવામાં આવશે.’

mumbai mumbai news coronavirus covid19 maharashtra preeti khuman-thakur