માનસિક બીમાર અને ઘરવિહોણા કેટલા લોકોને રસી આપી? : હાઈ કોર્ટનો રાજ્ય સરકારને સવાલ

14 September, 2021 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીફ જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણીની બેન્ચે ત્રણ સપ્તાહમાં એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો હતો

ફાઈલ તસવીર

બૉમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ઘરવિહોણા હોય અથવા તો કાનૂની ગાર્ડિયન ન ધરાવતા હોય તેવા કેટલા માનસિક બીમાર લોકોની ઓળખ કરીને કોરોનાવિરોધી રસીકરણ માટે તેમની નોંધણી કરવામાં આવી છે તેની વિગતો આપતી એફિડેવિટ દાખલ કરવાનો સોમવારે હુકમ કર્યો હતો.

ચીફ જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણીની બેન્ચે ત્રણ સપ્તાહમાં એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો હતો.

સાથે જ બેન્ચે બૃહનમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ને રસીકરણ માટે નોંધણી કરવામાં આવી હોય તેવા લોકોની સંખ્યા અને રસી અપાઈ ચૂકી હોય તેમની સંખ્યા વિશે અદાલતને માહિતી પૂરી પાડતી એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

બેન્ચે માનસિક રીતે બીમાર હોય અને રસીકરણ માટેની સંમતિ આપવાની સ્થિતિમાં ન હોય તેવા સહિતના નાગરિકો માટે કોરોનાવિરોધી રસીકરણની બહેતર પ્રાપ્યતાની માગણી કરતી જાહેર હિતની અરજી (પીઆઇએલ)ની સુનાવણી હાથ ધરી હતી.

મહારાષ્ટ્ર સરકારનાં કાઉન્સેલ ગીતા શાસ્ત્રીએ એફિડેવિટ સુપરત કરતાં જણાવ્યું હતું કે રાજ્યનાં ૧૭૬૧ માનસિક બીમાર લોકોને કોરોનાવિરોધી રસી અપાઈ હતી.

જોકે બેન્ચે નોંધ્યું હતું કે રાજ્યની એફિડેવિટમાં ઘરવિહોણા, પાલક વિનાના માનસિક બીમાર લોકોની સંખ્યાનો ફોડ પાડવામાં આવ્યો નહોતો. આવા લોકો કોરોના વાઇરસ ફેલાવી શકે છે અને આથી રાજ્યની ઑથોરિટીએ તેમની ઓળખ કરીને વહેલી તકે તેમને રસી મૂકવી જોઈએ તેમ અદાલતે જણાવ્યું હતું.

mumbai mumbai news coronavirus covid19 covid vaccine vaccination drive bombay high court