31 July, 2021 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે થોડા મહિના પહેલાં શહેરના વિવિધ ભાગોમાં સંખ્યાબંધ બનાવટી ઍન્ટિ કોરોનાવાઇરસ રસીકરણ કૅમ્પનો ભોગ બનેલા લોકોને ફરી રસી આપવાની બીએમસીની સૂચિત યોજનાને મંજૂર કરવાનો કેન્દ્ર સરકારને હુકમ કર્યો હતો.
ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણીની બેન્ચે કેન્દ્રને ફેરફાર સાથે કે એ વિના સાત દિવસની અંદર બીએમસીના પ્લાનને મંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
બીએમસીના વકીલ સિનિયર કાઉન્સેલ અનિલ સાખરેએ ચાલુ મહિનાના પ્રારંભમાં હાઈ કોર્ટને જણાવ્યું હતું કે ૨,૦૫૩ લોકોને કોરોનાની રસીને બદલે સલાઇન વૉટર અપાયું હતું.
અનિલ સાખરેએ અદાલતને જણાવ્યું હતું કે ‘કાંદિવલીના હીરાનંદાનીમાં ૩૯૧ કેસમાંથી ૩૬૩ લોકોને ટ્રેસ કરાયા હતા, જેમાંથી ૧૬૧ને નવેસરથી રસી અપાઈ હતી. અમે બાકીના ૨,૦૫૩ લોકોની કોવિન પોર્ટલ પર પુનઃ નોંધણી કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે, જેથી તેમને યોગ્ય રીતે રસી આપી શકાય. જોકે કેન્દ્રની મંજૂરી વિના તેમનું પુનઃ રજિસ્ટ્રેશન કરી શકાશે નહીં.’
કેન્દ્ર સરકારના ઍડિશનલ સૉલિસિટર જનરલ અનિલ સિંહે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે પોર્ટલમાંથી ડી-રજિસ્ટ્રેશન કરાવવું હાલ શક્ય ન હોવા છતાં કેન્દ્ર એના પર ધ્યાન આપશે. ત્યારે હાઈ કોર્ટે જણાવ્યું હતું કે ‘બીએમસીના સૂચિત પ્લાન વિશે વિચારણા કરીને બનતી કાર્યવાહી કરો. પીડિતોને પુનઃ રસીકરણ માટે તેમની ઓળખ કરીને થોડી નોંધ સાથે નવેસરથી રજિસ્ટ્રેશનની પરવાનગી આપી શકાય.’