09 May, 2025 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિલે પાર્લે રેલવે-સ્ટેશનનાં પગથિયાં પરથી પાકિસ્તાનના ઝંડાનાં સ્ટિકર ઉખેડતી મહિલા.
વિલે પાર્લે-ઈસ્ટમાં રેલવે-સ્ટેશનનાં પગથિયાં પરથી ૪ મેની સાંજે પાકિસ્તાનના ઝંડાનાં સ્ટિકર ઉખેડનાર બુરખાધારી મહિલા સહિત પાંચ લોકો સામે ગઈ કાલે જુહુ પોલીસે ફરિયાદ નોંધી છે. પહલગામમાં હિન્દુ ટૂરિસ્ટો પર થયેલા હુમલા બાદ ભારતભરમાં પાકિસ્તાન પ્રત્યે જોરદાર આક્રોશ જોવા મળ્યો હતો. આ આક્રોશ વ્યક્ત કરીને અમુક લોકોએ પાકિસ્તાનના ઝંડાનાં સ્ટિકર રેલવેનાં પગથિયાં પર ચીપકાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. એ જ દિવસે સાંજે એક બુરખાધારી મહિલા સહિત પાંચ લોકો આ સ્ટિકર કાઢતા જોવા મળ્યા હતા જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં લોકોએ ‘યે હૈં દેશ કે ગદ્દાર’ એવી પ્રતિક્રિયા આપી હતી જેની નોંધ લઈને પોલીસે સામે ચાલીને ઍક્શન લીધી હોવાનું કહેવાય છે.
જુહુ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમુક દેશીપ્રેમીઓએ ૪ મેની સવારે પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવા માટે વિલે પાર્લે-ઈસ્ટમાં રેલવે-સ્ટેશનનાં પગથિયાં પર પાકિસ્તાનના ઝંડાનાં સ્ટિકરો ચીપકાવ્યાં હતાં, જેના પર સ્ટેપ ઑન ઇટ લખવામાં આવ્યું હતું. દરમ્યાન એ જ દિવસે સાંજે બુરખો પહેરીને આવેલી એક મહિલા સહિત પાંચ લોકો એ સ્ટિકર કાઢતાં જોવા મળ્યા હતા જેનો વિડિયો ત્યાં ઊભેલા નાગરિકોએ બનાવ્યો હતો. આ વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતાં નાગરિકોએ સોશ્યલ મીડિયા પર ઝંડા ઉખેડનારી મહિલા સામે જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો હતો. એ જોતાં અમે તપાસ હાથ ધરી હતી જેમાં મહિલાની ફાતિમા અબ્દુલ તરીકે ઓળખ થઈ હતી. ગઈ કાલે આ કેસમાં અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.’