પ્રશાસને શું આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ?

16 January, 2022 11:35 AM IST  |  Mumbai | Rohit Parikh

ઘાટકોપરમાં વૅક્સિન લેવાથી મૃત્યુ થયું છે એવા ગેરપ્રચાર પછી ટીનેજરના પરિવારને મળવા ગયેલાં મુંબઈનાં મેયરે ત્યાં ભેગી થયેલી મેદની અને મીડિયાને આ સવાલ પૂછ્યો હતો

ગઈ કાલે ઘાટકોપરમાં આર્યા ભાનુશાલીના પરિવારને મળવા ગયેલાં મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર

ઘાટકોપર-વેસ્ટની હિમાલય સોસાયટીની ૧૫ વર્ષની આર્યા ભાનુશાલીનું મૃત્યુ વૅક્સિન લેવાથી થયું હોવાના વાઇરલ થયેલા મેસેજથી ઘાટકોપર અને ભાનુશાલી સમાજમાં ઊહાપોહ મચી ગયો હતો, જેને પરિણામે મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર ગઈ કાલે સાંજે તેના પરિવારને મળવા પહોંચ્યાં હતાં. તેમણે આ ટીનેજર માટે વાઇરલ થયેલા મેસેજની ટીકા કરતાં કહ્યું હતું કે ‘એક બાજુ પ્રશાસન કોરોના અને ઓમાઇક્રોન જેવા રોગનો સામનો લોકો કરી શકે એ માટે વધુમાં વધુ વૅક્સિન લે એ માટે ભરપૂર પ્રયાસ કરીને લોકોની જિંદગી બચાવી રહી છે. એવા સમયે અમુક લોકો વૅક્સિનના વિરોધમાં ગેરપ્રચાર કરીને લોકોને મિસગાઇડ કરી રહ્યા છે, જે ખરેખર એક દુખદ ઘટના છે. શું આવો ગેરપ્રચાર કરી રહેલા લોકો સામે પ્રશાસને કડક કાર્યવાહી કરવી જોઈએ કે નહીં એ હવે પ્રાણપ્રશ્ન બન્યો છે. 
બે દિવસથી ઘાટકોપરની ભાનુશાલી સમાજની ટીનેજર આર્યા ભાનુશાલી વૅક્સિન લેવાથી મૃત્યુ પામી છે એવો દિલ્હીના એક ડૉક્ટરે ફેસબુક પર મેસેજ વાઇરલ કરીને લોકોમાં અને મુખ્યત્વે ટીનેજરો જેમણે હમણાં જ હજી વૅક્સિન લેવાની શરૂઆત કરી છે એનાં માતા-પિતા અને ટીનેજરોમાં ભય પેદા કરવાની કોશિશ કરી હતી. જ્યારે ટીનેજરના પરિવારે તેમની દીકરી થોડા દિવસથી દસમા ધોરણની પરીક્ષાના ટેન્શનમાં હતી અને તેનું મૃત્યુ વૅક્સિનને લીધે નહીં, પણ હાર્ટ-અટૅક આવતાં થયું છે એવી સ્પષ્ટતા કરી હતી. 
હજી થોડા દિવસ પહેલાં જ સરકારે ૧૫થી ૧૮ વર્ષના ટીનેજરો માટે વૅક્સિનની શરૂઆત કરી છે. આજે હજારો ટીનેજરો વૅક્સિન લેવા માટે ઉત્સુક બન્યા છે ત્યારે ‘વૅક્સિન લેવાથી ઘાટકોપરની એક ટીનેજર મૃત્યુ પામી છે’ એવા મેસેજથી ચારે બાજુ ટીનેજરો માનસિક તાણમાં આવી ગયા છે.
આવા સંજોગોમાં આર્યાના પરિવારજનોએ કહ્યું કે ‘આર્યાએ વૅક્સિન લીધાના ૭ દિવસ પછી ૧૨ જાન્યુઆરીએ હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ થયું હતું. જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે આર્યા દસમા ધોરણની બદલાતી તારીખોને કારણે ટેન્શનમાં હતી. અચાનક તે અસ્વસ્થ બની જતાં અમે તેને હૉસ્પિટલ લઈ જઈ રહ્યાં હતાં ત્યાં જ રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને વૅક્સિન લેવા સાથે જોડીને વૅક્સિન માટે ગેરપ્રચાર કરવામાં આવ્યો એ અત્યંત દુઃખજનક બિના છે. ગેરપ્રચારના વાઇરલ મેસેજથી માનસિક રીતે અમે હેરાન-પરેશાન થઈ ગયા છીએ. એથી હવે લોકો આવા મેસેજને વાઇરલ ન કરે એવી અમે વિનંતી કરીએ છીએ.’
આર્યાના કઝિન બ્રધર પ્રવીણ મંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમાજમાં આ પ્રકારના મેસેજથી ખળભળાટ મચી ગયો છે, જેનાથી વડીલો અને તેમનાં બાળકો ભ્રમિત થઈ જાય છે. આથી મહાનગરપાલિકાએ આ વાતની ખૂબ ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે. મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે આ બનાવની આર્યાના પરિવારજનોને મળીને સવિસ્તર માહિતી લીધી હતી અને તેમને આશ્વાસન આપ્યું હતું. એ સમયે કિશોરી પેડણેકરે ‘વૅક્સિન માટે આવા મેસેજ વાઇરલ ન કરવા જોઈએ’ એવી સૌને વિનંતી કરી હતી.’
પરિવારજનોને મળ્યા બાદ કિશોરી પેડણેકરે ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘એક બાજુ પ્રશાસન વધુ ને વધુ લોકો વૅક્સિન લે એ માટે સક્રિય બની છે એવા સમયે આવા ગેરપ્રચારથી લોકો મિસગાઇડ થાય છે. માનસિક રીતે ટેન્શનમાં આવીને વૅક્સિન લેતાં ડરે છે. આવો ગેરપ્રચાર ફેલાવતા લોકો સામે પ્રશાસન કડક પગલાં લેતાં અચકાશે નહીં.’

mumbai mumbai news coronavirus covid19 covid vaccine vaccination drive ghatkopar rohit parikh