17 May, 2025 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરતી સિંહ
પાકિસ્તાન ભારત સામે સીધી રીતે યુદ્ધ કરી શકે એમ નથી એટલે દાયકાઓથી એ ભારતમાં આતંકવાદી હુમલા કરાવીને પરોક્ષ યુદ્ધ લડી રહ્યું છે. આ પ્રકારના યુદ્ધમાં પાકિસ્તાનમાં કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં કૅમ્પ ઊભા કરીને તેઓ આતંકવાદીઓને તાલીમ આપે છે. આ આતંકવાદીઓને ભારતમાં છુપાયેલા સ્લીપર સેલ્સ મદદ કરે છે એટલે તેઓ હુમલા કરતા આવ્યા છે. મુંબઈ આતંકવાદી હુમલાનો સૌથી વધુ ભોગ બન્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસમાં સ્પેશ્યલ બ્રાન્ચ બનાવવામાં આવી છે. જૉઇન્ટ પોલીસ-કમિશનર સ્તરના અધિકારી સ્પેશ્યલ બ્રાન્ચના ઇન્ચાર્જ હશે. આ પોસ્ટ ઊભી કરવાથી આતંકવાદીઓને મદદ કરતા મુંબઈમાં છુપાયેલા સ્લીપર સેલ્સની માહિતી મેળવવામાં મદદ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે ત્યારે બૉર્ડર પર જ નહીં, ઘરઆંગણે પણ આતંકવાદીઓને મદદ કરનારા સ્લીપર સેલ પર નજર રાખવાનું ખૂબ જરૂરી હોવાનું ધ્યાનમાં આવતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ પોલીસમાં ઇન્ટેલિજન્સ એટલે કે જાસૂસી ગતિવિધિની માહિતી મેળવવા માટે સ્પેશ્યલ બ્રાન્ચમાં જૉઇન્ટ પોલીસ-કમિશનરનું પદ બનાવવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી મુંબઈ પોલીસમાં હવે જૉઇન્ટ પોલીસ-કમિશનરની સંખ્યામાં એકનો વધારો થવાથી છ થશે.
મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘મુંબઈ ભારતનું જ નહીં, વિશ્વનું મહત્ત્વનું શહેર છે. આથી અહીં અવારનવાર રાષ્ટ્રપતિ, વડા પ્રધાન સહિત ઉચ્ચ પદાધિકારીઓની કાયમ અવરજવર રહેતી હોય છે. એને લીધે તેમના પર હુમલો થવાનું વધુ જોખમ રહે છે. મુંબઈમાં રહેતા સ્લીપર સેલની ગતિવિધિ પર નજર રાખવા માટે ઇન્ટેલિજન્સને મજબૂત બનાવવાની ઘણા સમયથી જરૂર હતી. જૉઇન્ટ પોલીસ-કમિશનરના હાથ નીચે ટીમો તૈયાર થશે એનો ફાયદો ભવિષ્યમાં મળશે. મુંબઈ આતંકવાદીઓના લિસ્ટમાં કાયમ ટૉપ પર હોય છે અને ભૂતકાળમાં પણ અહીં સૌથી વધુ હુમલા કરવામાં આવ્યા હોવા છતાં અગાઉની સરકારોએ મુંબઈની સલામતીને અવગણી હતી. જોકે અત્યારની સરકાર આતંકવાદીઓને ભારતની ધરતી પરથી કોઈ મદદ ન મળે એ માટેના તમામ પ્રયાસ કરી રહી છે.’ નવું જૉઇન્ટ પોલીસ-કમિશનરનું પદ જાહેર કરી દેવામાં આવવાની સાથે જ ગઈ કાલે IPS ઑફિસર આરતી સિંહની જૉઇન્ટ પોલીસ-કમિશનર (સ્પેશ્યલ બ્રાન્ચ)ના પદે નિયુક્તિ કરવામાં આવી છે.