01 November, 2025 05:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માઉન્ટ હિમલુંગ હિમાલ સર કર્યા બાદ તિરંગો ફરકાવતી મુલુંડની સાનિકા શાહ.
કોવિડ સમયે માઉન્ટેનિયરિંગને લગતી બે ફિલ્મ ‘એવરેસ્ટ’ અને ‘પૂર્ણા’ જોઈને માઉન્ટેનિયરિંગ કરવાની ઇચ્છા થઈ અને સ્ટાર્ટ થઈ મુલુંડની સાનિકા શાહની એક અનોખી જર્ની. ૨૧ વર્ષની સાનિકાએ આ સફરમાં ૨૬ ઑક્ટોબરે નેપાલના અન્નપૂર્ણા રીજનમાં આવેલો માઉન્ટ હિમલુંગ હિમાલ સર કરીને જબરદસ્ત સિદ્ધિ મેળવી છે. ‘એવરેસ્ટ’ ફિલ્મ જોઈને એવરેસ્ટ સર કરવાનું તેનું લક્ષ્ય છે જે આવતા વર્ષે સર કરવાનું વિચાર્યું છે, પણ એ પહેલાં એની પૂર્વતૈયારીરૂપે ૭૧૨૬ મીટર ઊંચું માઉન્ટ હિમલુંગ હિમાલ શિખર કરવાના પ્લાન સાથે આવેલી સાનિકા અહીંના પહાડો અને પ્રકૃતિના પ્રેમમાં પડી ગઈ છે. માઉન્ટ હિમલુંગ હિમાલ સર કરનારી તે સૌથી નાની ઉંમરની ભારતીય બની છે એટલું જ નહીં, માઉન્ટ હિમલુંગ હિમાલ પર આજ સુધી કોઈ ભારતીય મહિલા પહોંચી નહોતી. સાનિકાએ એ વિરલ સિદ્ધિ પણ મેળવી છે.
માઉન્ટ હિમલુંગ હિમાલ સર કર્યા બાદ સાનિકા હાલ કાઠમાંડુમાં છે. ત્યાંથી ફોન પર ‘મિડ-ડે’ સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘એવરેસ્ટ સર કરતાં પહેલાં પૂરતી તૈયારી કરવી પડે એટલે માઉન્ટ હિમલુંગ હિમાલ સર કરવાનું નક્કી કર્યું. એનું મૂળ કારણ એ હતું કે અહીંના વાતાવરણ, સખત ઠંડી, સુસવાટા મારતા પવન અને વેધર કન્ડિશનને જાણી શકાય. એને કઈ રીતે ટૅકલ કરવું, શું-શું તકલીફ પડી શકે એ જાણવાની પણ ઇચ્છા હતી. હાયર માઉન્ટનનો અનુભવ કેવો હોય એ પણ જાણવું હતું. એથી એક મહિના સુધી અહીં રહીને એ માટે બે કૅમ્પ કર્યા. એ પછી અહીંના આ પહાડો અને પ્રકૃતિના પ્રેમમાં જ પડી ગઈ. ઇટ્સ અમેઝિંગ.’
સાનિકાના આ સાહસભર્યા અભિયાન વિશે માહિતી આપતાં તેના પપ્પા જિગર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાનિકાએe વ્હિસલિંગ વુડ્સમાંથી BA વિથ ઍક્ટિંગની ડિગ્રી મેળવી છે અને તે ભરતનાટ્યમમાં પણ એક્સપર્ટ છે. કોવિડ દરમ્યાન તેણે ‘એવરેસ્ટ’ અને ‘પૂર્ણા’ ફિલ્મ જોયા પછી મારે પણ આવું કરવું જોઈએ અને એવરેસ્ટ સર કરવો જોઈએ એવી ઇચ્છા તેને થઈ. મારી વાઇફ ડૉ. ઇશિતા શાહ ઍથ્લીટ છે. તેને થાઇરૉઇડની બીમારી હોવા છતાં તે ઘણી મૅરથૉન દોડી ચૂકી છે. એ પછી મેં પણ દોડવાનું શરૂ કર્યું અને હવે અમે બન્ને માઉન્ટેનિયરિંગ કરતાં રહીએ છીએ. એપ્રિલ ૨૦૨૩માં હું અને મારી વાઇફ એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી જઈ આવ્યાં છીએ. એ વખતે સાનિકા ભણતી હતી એટલે તેને રજા મળે એમ નહોતી.’
સાનિકાની માઉન્ટેનિયરિંગની જર્ની વિશે માહિતી આપતાં જિગર શાહે વધુમાં કહ્યું હતું કે ‘સાનિકાએ પહેલાં મહારાષ્ટ્રનાં જ સહ્યાદ્રિનાં શિખરો સર કરવાનું શરૂ કર્યું. એ પછી તેણે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશનાં શિખરો પર ટ્રેક કરવાનું ચાલુ કર્યું. તેની ઇચ્છા તો ૭ કૉન્ટિનેન્ટનાં ૭ શિખરો જે સેવન સમિટ તરીકે ઓળખાય છે એ પણ સર કરવાની છે. એમાંથી તેણે ટાન્ઝાનિયાનો ૫૮૯૫ મીટર ઊંચો માઉન્ટ કિલિમાન્જારો અને ૫૬૪૨ મીટર ઊંચો યુરોપનો માઉન્ટ અલ્બ્રસ સર કરી લીધો છે. તેની ઇચ્છા આવતા વર્ષે ૨૦૨૬માં માઉન્ટ એવરેસ્ટ સર કરવાની છે. એની પૂર્વતૈયારીરૂપે તેણે માઉન્ટ હિમલુંગ હિમાલ સર કર્યો છે.’