09 November, 2024 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાર-વેસ્ટમાં આવેલી શાકભાજી માર્કેટ પાસે વૉચ ગોઠવી હતી અને સવારે ૧૧.૦૦ વાગ્યે એ વૅન ત્યાં આવતાં એને રોકી તપાસ હાથ ધરી હતી
ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે વસઈ-વિરારમાંથી રોજેરોજ કૅશ પકડાઈ રહી છે. ગઈ કાલે પણ બે કરોડની કૅશ વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)ની ટીમે જપ્ત કરી હતી. ગુરુવારે પણ નાલાસોપારા, માંડવી અને મીરા રોડમાંથી કુલ મળી ૭.૮૦ કરોડની રકમ પકડાઈ હતી. બૅન્કોના ATM (ઑટોમેટેડ ટેલર મશીન)માં કૅશ ભરતી એજન્સીઓની વૅનમાં બેહિસાબી, ગેરકાયદે રોકડની હેરફેર કરાતી હોવાનું જણાઈ આવ્યું છે. બૅન્કની વૅનમાં કૅશની હેરાફેરી થઈ રહી હોવાની માહિતી મળતાં VVMCની ટીમે ગઈ કાલે વિરાર-વેસ્ટમાં આવેલી શાકભાજી માર્કેટ પાસે વૉચ ગોઠવી હતી અને સવારે ૧૧.૦૦ વાગ્યે એ વૅન ત્યાં આવતાં એને રોકી તપાસ હાથ ધરી હતી. એ વૅનમાંથી બે કરોડ રૂપિયા કરતાં વધુની બેહિસાબી કૅશ મળી આવી હતી. એ વૅનમાં હાજર વ્યક્તિઓ પાસે એ રકમની હેરફેરના જરૂરી ડૉક્યુમેન્ટ્સ હતા નહીં એથી એ રકમ જપ્ત કરવામાં આવી છે. હવે આ કેસ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો છે.