04 April, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સવારે વિરારથી અંધેરી જઈ રહેલી લોકલ ટ્રેનમાં મારામારી થઈ હતી.
વિરારની લોકલ ટ્રેનમાં ગ્રુપમાં પ્રવાસ કરતા લોકો દાદાગીરી કરતા હોવાની ફરિયાદ અવારનવાર મળે છે. ગઈ કાલે સવારના વિરારના પ્લૅટફૉર્મ-નંબર એકથી અંધેરી જવા માટેની ૮.૧૪ વાગ્યાની સ્લો ટ્રેનમાં ગ્રુપની દાદાગીરીનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. ગ્રુપના કેટલાક લોકોએ ટ્રેનમાં ચડેલા યુવકોની મારપીટ કરવાને લીધે પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા. અન્ય પ્રવાસીઓએ મારામારી અટકાવવાનો પ્રયાસ કરતાં તેમને પણ ધોલધપાટ કરવામાં આવી હોવાનું વિડિયોમાં જણાઈ આવ્યું હતું. લોકલ ટ્રેનમાં ગ્રુપની દાદાગીરીથી કોઈ મોટી ઘટના બનવાની શક્યતા છે એટલે રેલવે પ્રશાસન અને રેલવે પોલીસે દાદાગીરી કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે.