12 July, 2025 07:09 AM IST | Mumbai | Rajendra B Aklekar
ગઈ કાલે છત્રપતિ શિવાજી ટર્મિનસથી ડોમ્બિવલી જતી લોકલમાં સિનિયર સિટિઝનો માટેનો સૌપ્રથમ કોચ જોડવામાં આવ્યો હતો. તસવીર : સૈયદ સમીર અબેદી
સિનિયર સિટિઝન્સ માટે આનંદના સમાચાર છે. સેન્ટ્રલ રેલવેએ એની ૧૫૬ ટ્રેનોમાં સિનિયર સિટિઝન્સ માટે અલાયદો કોચ રાખવાનો નિર્ણય લીધો છે એટલું જ નહીં, ગઈ કાલે પહેલો કોચ ટ્રેનમાં અટૅચ કરવામાં આવતાં સિનિયર સિટિઝનોએ આનંદથી પ્રવાસ કર્યો હતો.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ગઈ કાલે ૩.૪૫ વાગ્યાની ડોમ્બિવલી લોકલ ટ્રેનમાં ફક્ત સિનિયર સિટિઝન્સ માટેનો પહેલો કોચ જોડવામાં આવ્યો હતો. મુંબઈ તરફથી છઠ્ઠો લગેજનો કમ્પાર્ટમેન્ટ હતો એને હવે સિનિયર સિટિઝન કોચ તરીકે કન્વર્ટ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ રેલવેની માટુંગા વર્કશૉપમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. એક કોચ કન્વર્ટ કરવાનો ખર્ચ ૪.૮૫ લાખ આવે છે એ પ્રમાણે ૧૫૬ ટ્રેનોમાં આ ફેરફાર કરવા માટે કુલ ૭.૫૭૩ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
ફક્ત સિનિયર સિટિઝના કોચમાં પ્રવાસ કરનાર પ્રવાસી રાજપતિ ઉપાધ્યાયે કહ્યું હતું કે ‘હું હંમેશાં મારા ઑફિશ્યલ આઇડેન્ટિટી પ્રૂફ સાથે રાખું છું. હું મુલુંડ જઈ રહ્યો છું. હવે સિનિયર સિટિઝન માટે અલાયદો કોચ છે એ જાણીને આનંદ થયો. પીક અવર્સમાં રેગ્યુલર કોચમાં ચડવું અમારા માટે ઘણું મુશ્કેલ હતું. મને આશા છે કે રેલવે આ કોચ ફક્ત સિનિયર સિટિઝન્સ જ વાપરી શકે એ બાબતની કાળજી રાખવા નિયમોનું કડક પાલન થાય એના પર ધ્યાન આપશે.’