કોરોનાની અસર ઓછી થઈ, પણ હજી એક વર્ષ માસ્ક પહેરવા પડશે

23 October, 2021 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યના ટાસ્ક ફોર્સના અંદાજ મુજબ જીવલેણ વાઇરસ અને માસ્કથી કાયમી છુટકારો મેળવવામાં હજી સમય લાગશે

કોરોનાની અસર ઓછી થઈ, પણ હજી એક વર્ષ માસ્ક પહેરવા પડશે

દેશમાં અને રાજ્યમાં કોવિડ-૧૯ વૅક્સિનેશનની ઝડપ વધવાથી કોરોનાનું જોખમ ઓછું થયું છે એટલે નવા કેસ પણ નિયંત્રણમાં આવ્યા છે. કોવિડ પૅન્ડેમિકને ૨૦ મહિલા જેટલો લાંબો સમય થઈ ગયો છે અને મહામારી ખતમ થઈ રહી હોવા છતાં આપણને માસ્ક પહેરવામાંથી મુક્તિ માટે એક વર્ષ રાહ જોવી પડશે, એમ રાજ્યના કોરોના ટાસ્ક ફોર્સના ડૉક્ટરોનું કહેવું છે.
કોરોના ટાસ્ક ફોર્સના ડૉ. રાહુલ પંડિતે ગઈ કાલે કહ્યું હતું કે ‘રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર પૂરી થવામાં છે, પરંતુ ત્રીજી લહેરનું જોખમ આપણી સામે છે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતા ન હોત તો પણ દિવાળી બાદ આ વાઇરસ ફરી ફેલાવાની શક્યતા નકારી ન શકાય. આથી રાજ્યમાં દિવાળી બાદ કોરોનાની ત્રીજી લહેર આવવાનો અંદાજ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૭૦ ટકા નાગરિકોએ પહેલો અને ૩૫ ટકા નાગરિકોએ કોવિડ વૅક્સિનના બન્ને ડોઝ લીધા છે. આગામી સમયમાં વૅક્સિનેશનની ઝડપ વધશે. અત્યારે મુંબઈ સહિત રાજ્યભરમાં ડેલ્ટા વેરિઅન્સ સિવાય કોઈ નવો કોવિડ વેરિઅન્ટ સક્રિય નથી.’ 
સાર્વજનિક આરોગ્ય વિભાગના અપર સચિવ ડૉ. પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું કે ‘મુંબઈ સહિત રાજ્યભરમાં છેલ્લા બે-ત્રણ મહિનામાં કોરોના પૉઝિટિવિટીની ટકાવારી ઘટી છે. કોરોનાને ફેલાતો રોકવા માટે ઉપાય યોજના અને વૅક્સિનેશન મહત્ત્વનાં છે. આજે નવા કેસની સંખ્યા ઘટવાની સાથે વધુ પ્રમાણમાં કોવિડના દરદીઓ રિકવર થઈ રહ્યા છે. જોકે લોકોએ ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સાવધાન રહેવાની જરૂર છે. ૨૦ મહિના જેટલા લાંબા સમયમાં આપણે માસ્ક પહેરવાથી કંટાળ્યા છીએ, પરંતુ આ વાઇરસનું જોખમ સાવ ખતમ નથી થયું એટલે એને રોકવા માટેનો રામબાણ ઇલાજ માસ્ક જ છે એટલે હજી એક વર્ષ સુધી આપણે માસ્ક સાથે રહેવું પડશે.’

Mumbai mumbai news coronavirus covid vaccine covid19