હીરાનંદાની હેરિટેજના બનાવટી વૅક્સિનનો ભોગ બનેલા સભ્યોને આપવામાં આવી રસી

25 July, 2021 02:07 PM IST  |  Mumbai | Rohit Parikh

અમુક સભ્યો બહારગામ હોવાથી ગઈ કાલના કૅમ્પમાં હાજર રહ્યા નહોતા

હીરાનંદાની હેરિટેજ

કાંદિવલી (વેસ્ટ)ના હીરાનંદાની હેરિટેજના બનાવટી વૅક્સિનેશન કૅમ્પના અસરગ્રસ્ત સોસાયટીના ૩૯૦ સભ્યોને વૅક્સિન આપવા માટે ગઈ કાલે મહાનગરપાલિકાએ મહાવીરનગરમાં વૅક્સિનેશન કૅમ્પનું આયોજન કર્યું હતું. એનો સોસાયટીના ૩૯૦ સભ્યોમાંથી ફક્ત ૧૨૮ સભ્યોએ લાભ લીધો હતો, જ્યારે મહાનગરપાલિકાના આંકડા પ્રમાણે ૧૫૫ સભ્યોએ ગઈ કાલે વૅક્સિન લીધી હતી. બાકીના સભ્યો હાજર રહ્યા નહોતા.

આ બાબતની માહિતી આપતાં સોસાયટીના સક્રિય કાર્યકર દિનેશ ઝાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં પહેલાં જ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે મહાનગરપાલિકાએ યોજેલા ગઈ કાલના કૅમ્પનો ૧૦૦ ટકા સભ્યો લાભ લેશે નહીં. એનું મુખ્ય કારણ એ હતું કે પહેલાં તો મહાનગરપાલિકાએ આ કૅમ્પની અચાનક છેલ્લી ઘડીએ જાહેરાત કરી હતી જેને લીધે અનેક સભ્યો આ કૅમ્પથી અજાણ હતા અને અમુક સભ્યો વીક-એન્ડને લીધે મુંબઈની બહાર હતા. એ સિવાય ૩૦ મેએ અમારી સોસાયટીના કૅમ્પમાં ૩૯૦માંથી ૧૨૫ સભ્યો સોસાયટીની બહારના હતા. તેઓ પણ પૂરી જાણકારી ન હોવાથી ગઈ કાલના કૅમ્પમાં હાજર રહ્યા નહોતા.’

અમારી સોસાયટીના ૨૬૫ સભ્યોએ જ્યારથી અમારી સાથે છેતરપિંડી થઈ છે એ જાણ્યું ત્યારથી ભયંકર ટેન્શનમાં હતા એમ જણાવતાં દિનેશ ઝાલાએ કહ્યું હતું કે ‘અત્યારના કોરાનાકાળમાં બનાવટી વૅક્સિન અને બનાવટી વૅક્સિનેશન સર્ટિફિકેટને કારણે અમને અમારા આરોગ્યની બહુ જ ચિંતા હતી. જે રીતે મહાનગરપાલિકા અને પોલીસની કાર્યવાહી ચાલી રહી હતી એ જોતાં અમને કોઈ પણ સ્પષ્ટતા મળતી નહોતી કે અમને ફરી વૅક્સિન ક્યારે આપવામાં આવશે. આ સ્થિતિમાં સોસાયટીના બનાવટી વૅક્સિનનો ભોગ બનેલો એક સભ્ય કોવિડ પૉઝિટિવ આવતાં અમને વધુ ધ્રાસકો પડ્યો હતો. બીજી બાજુ ત્રીજી વેવનો ડર પણ હતો. આ ડરમાંથી બહાર નીકળવા માટે સોસાયટીના અમુક સભ્યો પોતાની રીતે જ ફરીથી વૅક્સિન લઈને ટેન્શનમુક્ત થઈ ગયા હતા જે આંકડો અંદાજે ૧૧૦ની આસપાસનો છે, જ્યારે બાકીના સભ્યો બહારગામ હોવાથી ગઈ કાલના કૅમ્પમાં હાજર રહ્યા નહોતા.’

જોકે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને આપેલી જાણકારી પ્રમાણે ગઈ કાલે મહાનગરપાલિકાએ ૩૯૦ વૅક્સિનની વ્યવસ્થા સોસાયટીના સભ્યો માટે જ કરી હતી, જેમાંથી ૧૫૫ સભ્યોએ વૅક્સિન લીધી હતી, જ્યારે બાકીના સભ્યો આ કૅમ્પમાં હાજર રહ્યા નહોતા.

મહાનગરપાલિકા બધા જ બનાવટી કૅમ્પોના અસરગ્રસ્ત લોકોને ફરી વૅક્સિન આપશે : સુરેશ કાકાણી

કાંદિવલીની હીરાનંદાની હેરિટેજ સોસાયટીના ૩૦ મેના બનાવટી કોવિડ વૅક્સિનેશન કૅમ્પ બાદ નવથી વધુ બનાવટી કોવિડ વૅક્સિનેશન કૅમ્પો પ્રકાશમાં આવ્યા હતા. એનો ૨૦૦૦થી વધુ લોકો ભોગ બન્યા છે. આ બધા વેક્સિનેશન કૅમ્પોમાં વેક્સિન લેનારાઓએ ૧૨૬૦ રૂપિયા ચૂકવીને કોવિશીલ્ડ વૅક્સિન લીધી હતી. ગઈ કાલે હીરાનંદાની હેરિટેજ સોસાયટીના સભ્યો માટે મહાનગરપાલિકાએ રીવૅક્સિનેશન કૅમ્પ યોજીને ફરીથી વૅક્સિન આપી હતી. મહાનગરપાલિકા આવા જ વૅક્સિનેશન કૅમ્પો નજદીકના ભવિષ્યમાં બધા જ બનાવટી કૅમ્પોના અસરગ્રસ્તો માટે યોજશે એમ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું.

coronavirus covid19 covid vaccine vaccination drive mumbai mumbai news kandivli rohit parikh