20 August, 2025 10:14 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અગ્નિ-5 ઇન્ટરમીડિયેટ-રેન્જ બેલિસ્ટિક મિસાઇલ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
ભારતે આજે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 ઇન્ટરમીડિયેટ-રેન્જ બેલિસ્ટિક મિસાઇલ (Intermediate-Range Ballistic Missile)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, જે તેની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે. આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) થી કરવામાં આવ્યું હતું, જે ભારતની વ્યૂહાત્મક શક્તિ વધારવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. સંરક્ષણ મંત્રાલયે સફળતાની પુષ્ટિ કરી અને કહ્યું કે આ પરીક્ષણ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું અને આ પરીક્ષણમાં તમામ ઑપરેશનલ અને ટેકનિકલ પરિમાણો સફળ રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઈલના પરીક્ષણ પહેલા, ભારતે NOTAM (Notice to Airmen) જાહેર કરી હતી, જેમાં હવા અને સમુદ્ર વિસ્તારમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ વિસ્તારને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. બાદમાં, આ NOTAM નું અંતર વધુ વધારવામાં આવ્યું હતું જેથી મિસાઈલની 5,000 કિલોમીટરથી વધુની રેન્જનું સંપૂર્ણ પરીક્ષણ કરી શકાય. હવે ભારતે તેના મહાન હથિયારનું પરીક્ષણ કર્યું છે જે પડોશી દુશ્મન દેશોના કોઈપણ ખૂણા પર પ્રહાર કરી શકે છે.
અગ્નિ-૫ ની વિશેષતાઓ અને મહત્ત્વ
અગ્નિ-૫ એ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત એક આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ (ICBM) છે. આ મિસાઇલ ૫,૦૦૦ કિલોમીટરથી વધુની રેન્જ ધરાવે છે, જે તેને ભારતની સૌથી અદ્યતન મિસાઇલોમાંની એક બનાવે છે. તે ત્રણ તબક્કાની ઘન ઇંધણવાળી મિસાઇલ છે, જે ૧૭ મીટર લાંબી અને ૨ મીટર પહોળી છે. તેનું વજન લગભગ ૫૦ ટન છે અને તે ૧.૫ ટન સુધીના પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે.
અગ્નિ-5 ને રોડ-મોબાઇલ અને કેનિસ્ટરાઇઝ્ડ લોન્ચ સિસ્ટમ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે તેને ઝડપથી અને સરળતાથી તૈનાત કરવાની સુવિધા આપે છે. આ ટેકનોલોજી મિસાઇલને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા, પરિવહન કરવા અને જરૂર પડ્યે ઝડપથી લૉન્ચ કરવા સક્ષમ બનાવે છે. વધુમાં, તેમાં અદ્યતન નેવિગેશન અને ગાઈડન્સ સિસ્ટમ શામેલ છે, જેમ કે રિંગ લેસર ગાયરોસ્કોપ અને એક્સીલેરોમીટર, જે તેને ખૂબ જ સચોટ બનાવે છે.
ભારત માટે આ મિસાઈલનું વ્યૂહાત્મક મહત્ત્વ
આ પરીક્ષણ ભારતની `મિનિમમ ક્રિડિબલ ડિટરન્સ` નીતિ સાથે સુસંગત છે, જે `નો ફર્સ્ટ યુઝ` ની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. મિનિમમ ક્રિડિબલ ડિટરન્સ એ એક પરમાણુ સિદ્ધાંત છે જેમાં કોઈ દેશ તેના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ફક્ત સ્વરક્ષણ માટે કરે છે અને ખાતરી કરે છે કે તેની પાસે તેના પર પરમાણુ હુમલો અટકાવવા માટે પૂરતા પરમાણુ શસ્ત્રો છે. અગ્નિ-5 ની રેન્જ તેને એશિયા, ચીનના ઉત્તરીય પ્રદેશો અને યુરોપના કેટલાક ભાગોમાં લક્ષ્યો પર પ્રહાર કરવા સક્ષમ બનાવે છે.