02 September, 2025 10:26 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનના ઘરે લાગી અનોખી વૈદિક ઘડિયાળ
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળનું અનાવરણ કર્યું હતું. આ ઘડિયાળ ભારતીય સમયગણતરી પર આધારિત વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ છે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનનું ઘર દેશનું એવું પ્રથમ સરકારી નિવાસસ્થાન હશે જ્યાં ભારતીય પરંપરા અને વિજ્ઞાન પર આધારિત વૈદિક ઘડિયાળ સ્થાપિત કરવામાં આવી છે.
આ ઘડિયાળ સૂર્યોદય અને સૂર્યાસ્તના આધારે સમયની ગણતરી કરે છે. આમાં GMT (ગ્રીનવિચ મીન ટાઇમ)ના ૨૪ કલાકને ૩૦ મુહૂર્ત (ઘટી)માં વિભાજિત કરવામાં આવ્યા છે. દરેક મુહૂર્તનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે. ઘડિયાળમાં કલાક, મિનિટ અને સેકન્ડની સોયની સાથે, પંચાંગ, મુહૂર્ત, હવામાન અને અન્ય ધાર્મિક માહિતી પણ જોવા મળશે.
આ ઘડિયાળ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ, ચંદ્ર કયા નક્ષત્રમાં છે, સૂર્ય કઈ રાશિમાં છે જેવી માહિતી પણ દર્શાવે છે. એટલે કે એ ફક્ત સમય દર્શાવતી ઘડિયાળ નથી.