12 May, 2025 02:15 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પાસેથી મોટી માગણી કરી છે. તેમણે વડા પ્રધાન મોદીને પત્ર લખીને અપીલ કરી છે કે સરકારે પહલગામ હુમલો, ઑપરેશન સિંદૂર અને યુદ્ધવિરામ વિશે તાત્કાલિક સંસદનું ખાસ સત્ર બોલાવવું જોઈએ.
રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું કે ‘હું વિપક્ષની સર્વસંમતિથી અપીલને પુનરાવર્તિત કરું છું કે સંસદનું ખાસ સત્ર તાત્કાલિક બોલાવવામાં આવે. લોકો અને તેમના પ્રતિનિધિઓ માટે પહલગામ આતંકવાદી હુમલો, ઑપરેશન સિંદૂર અને યુદ્ધવિરામની ચર્ચા કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેની જાહેરાત સૌપ્રથમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી. આ આગળના પડકારોનો સામનો કરવા માટે આપણા સામૂહિક સંકલ્પને દર્શાવવાની પણ તક હશે. મને ખાતરી છે કે તમે આ માગણી પર ગંભીરતાથી વિચાર કરશો.’
કૉન્ગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો છે. વરિષ્ઠ વકીલ અને કૉન્ગ્રેસના નેતા કપિલ સિબ્બલે પણ વડા પ્રધાન મોદીને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઑપરેશન સિંદૂર અને યુદ્ધવિરામ વિશે સર્વપક્ષીય બેઠક બોલાવવા અને સંપૂર્ણ માહિતી આપવા અપીલ કરી હતી.