દેશ પાસે ૧૦૦ કરોડ વૅક્સિનનું સુરક્ષા-કવચ : નરેન્દ્ર મોદી

22 October, 2021 10:16 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સૌથી વધુ રસીકરણ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં

નવી દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલની નર્સ તથા ગાર્ડસ સાથે વાત કરતા વડા પ્રધાન મોદી

ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-એઇમ્સમાં વિશ્રામ સદનના ઉદ્ઘાટન પ્રસંગે વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. વડા પ્રધાને કહ્યું હતું કે હવે કોરોના સામે દેશવાસીઓની આસપાસ ૧૦૦ કરોડ ડોઝનું સુરક્ષાત્મક કવચ તૈયાર થઈ ગયું છે.

ગુરુવારે ભારતે કોવિડ રસીકરણ કાર્યક્રમમાં સૌથી મોટી સિદ્ધિ મેળવતાં ૧૦૦ કરોડ ડોઝનો આંકડો પૂરો કર્યો હતો. આ સિદ્ધિને વડા પ્રધાને ૧૦ વર્ષની સૌથી ભયાનક મહામારી સામે સંરક્ષણાત્મક ઢાલ ગણાવી હતી.

નવી દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલ કૅમ્પસમાં નૅશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ફોસિસ ફાઉન્ડેશન વિશ્રામ સદનનું ગઈ કાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન કર્યા પછી વડા પ્રધાને વિડિયો-કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું, જેમાં કહ્યું હતું કે ૧૦૦ કરોડ ડોઝ પૂરા કરવાની આ સિદ્ધિનું શ્રેય દરેક ભારતીયને જાય છે. વડા પ્રધાને તેમના ભાષણમાં વૅક્સિન નિર્માણ સાથે સંકળાયેલી કંપનીઓ, કર્મચારીઓ અને પ્રોફેશનલ્સ સહિત સૌ પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી.

દેશના ૭૫ ટકા લોકોને મળ્યો ડોઝ

સરકારી આંકડાઓ પ્રમાણે ભારતમાં કુલ લોકવસ્તીના ૭૫ ટકા જેટલા લોકોએ કોરોના વૅક્સિનનો પહેલો ડોઝ મેળવી લીધો છે, જ્યારે ૩૧ ટકા જેટલા લોકોએ બન્ને ડોઝ મેળવી લીધા છે.ભારતને ૧૦ કરોડ વૅક્સિન ડોઝનું લક્ષ્ય પાર પાડવામાં ૮૫ દિવસ લાગ્યા હતા, જ્યારે ત્યારબાદના વધુ ૪૫ દિવસમાં ૨૦ કરોડ, વધુ ૨૯ દિવસમાં ૩૦ કરોડ, વધુ ૨૪ દિવસમાં ૪૦ કરોડ અને વધુ ૨૦ દિવસમાં પચાસ કરોડનો આંકડો પાર કર્યો હતો. ૬ ઑગસ્ટે પચાસ કરોડ ડોઝ પૂરા કર્યા પછી વધુ ૭૬ દિવસમાં ૧૦૦ કરોડ ડોઝનો આંકડો પૂરો થયો છે.સૌથી વધારે રસીકરણ જ્યાં નોંધાયું હોય તેવાં ટોચનાં પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્ય પ્રદેશ છે.

હૉસ્પિટલ પહોંચી માન્યો આભાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલની મુલાકાત લઈ ૧૦૦ કરોડ કોવિડ વૅક્સિનના સીમાચિહ્ન પૂર્ણ કરવા બદલમાં સહાયક થનારા ડૉક્ટર્સ, નર્સિસ અને અન્ય હેલ્થ વર્કર્સનો આભાર માન્યો હતો. તેઓ ૧૦૦ કરોડમો ડોઝ મુકાવનાર વારાણસીના દિવ્યાંગ અરુણ રોયને રસી મુકાવતા સમયે હાજર રહ્યા હતા.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૅક્સિનેશન સેન્ટરની મુલાકાત લઈ હેલ્થ વર્કર્સ સાથે વાતચીત કરી હતી.

તેઓએ થમ્પ્સ અપ કરીને હેલ્થ વર્કર્સને પ્રોત્સાહિત કર્યા હતા. સામૂહિક રસીકરણ અભિયાન હેઠળ ભારતે ગઈ કાલે એક અબજ રસીકરણનો સીમાચિહ્ન હાંસલ કર્યો હતો.

થરુરે કરી સરકારની પ્રશંસા, તો કૉન્ગ્રેસ પ્રવક્તાએ કહ્યું, પીડિતોનું અપમાન

વરિષ્ઠ કૉન્ગ્રેસી નેતા શશી થરુરે ગુરુવારે દેશમાં કોરોના વૅક્સિનના ૧૦૦ કરોડ ડોઝ પૂરા કરવાની સિદ્ધિને બિરાદાવતા સરકારને શ્રેય આપ્યો હતો. તેની સામે કૉન્ગ્રેસના જ પ્રવક્તા પવન ખેરાએ વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે સરકારને શ્રેય આપવાનો અર્થ થશે કે કોરોનાકાળમાં સરકારની ગેરવ્યવસ્થાને લીધે હેરાન-પરેશાન થઈ ગયેલા પરિવારોનું અપમાન કરવું.

ગુરુવારે ભારતે કોરોના વૅક્સિનના ૧૦૦ કરોડ ડોઝ પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. તેની સામે શશી થરુરે ટ્વીટ કરીને લખ્યું હતું કે આ ક્ષણ દરેક ભારતીય માટે ગર્વની છે. તે માટે સરકારને શ્રેય આપીએ. તેની સામે કૉન્ગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ શશી થરુરને ટેગ કરીને ટ્વીટમાં જવાબ લખ્યો હતો કે સરકારને શ્રેય આપવો એ કોરોનાની મહામારીમાં વ્યાપક ગેરવ્યવસ્થાને કારણે પીડાયેલા પરિવારોનું અપમાન ગણાશે.

આ સિદ્ધિ માટે શ્રેય લેતાં પહેલાં વડા પ્રધાને પીડાયેલા પરિવારોની ક્ષમા માગવી જોઈએ. આ સિદ્ધિનો ખરો શ્રેય ડૉક્ટર્સ અને મેડિકલ અધિકારીઓને જાય છે.

national news coronavirus covid19 new delhi covid vaccine vaccination drive narendra modi