09 May, 2025 10:14 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
સલામતીના ભાગરૂપે સ્ટેડિયમમાં મૅચ વચ્ચે લાઇટ્સ બંધ કરવામાં આવી
ગઈ કાલે IPL 2025ની પંજાબ કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે હિમાચલ પ્રદેશના ધરમશાલામાં યોજાયેલી ૫૮મી મૅચ સુરક્ષાના કારણસર અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. વરસાદના વિઘનને કારણે ટોસ સાંજે ૦૭ ને બદલે ૮.૧૫ વાગ્યે અને મૅચની શરુઆત ૭.૩૦ ને બદલે ૮.૩૦ વાગ્યે થઈ હતી. પંજાબે ટૉસ જીતીને ૧૦.૧ ઓવરમાં પ્રિયાંશ આર્ય (૩૪ બૉલમાં ૭૦ રન) અને પ્રભસિમરન સિંહ (૨૮ બૉલમાં ૫૦ રન અણનમ) વચ્ચેની શાનદાર ભાગીદારીના આધારે એક વિકેટના નુકસાન સાથે ૧૨૨ રન ફટકાર્યા હતા.
કૅપ્ટન શ્રેયસ ઐયર જ્યારે બૅટિંગ માટે ઊતર્યો ત્યારે મેદાન પર કેટલીક લાઇટ્સ બંધ થઈ ગઈ હતી. શરૂઆતમાં એનું કારણ ફ્લડલાઇટ્સમાં ખામી હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં મૅચ સંપૂર્ણ રીતે રોકીને ટીમો અને દર્શકોને તેમની સુરક્ષા માટે સ્ટેડિયમમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. IPLના ચૅરમૅન અરુણ ધુમલે પણ મેદાન પર ચક્કર લગાવી સ્ટેન્ડ્સમાં બેઠેલા ફૅન્સને ઘરે જવા અપીલ કરી હતી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વિડિયોમાં જોવા મળ્યું કે સ્ટેડિયમ બહાર જતાં ક્રિકેટ-ફૅન્સે ‘ભારત માતા કી જય’ના નારા પણ લગાવ્યા હતા.
પંજાબમાં ત્રણ દિવસ માટે તમામ સ્કૂલ-કૉલેજ બંધ
પંજાબમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આગામી ત્રણ દિવસ માટે સ્કૂલો, કૉલેજો અને યુનિવર્સિટીઓને સંપૂર્ણ રીતે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. નાગરિકોની સલામતી અને શાંતિ જાળવવાના ઉદ્દેશથી આ પગલું લેવામાં આવ્યું છે જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય. વહીવટીતંત્રે વાલીઓને અપીલ કરી છે કે તેઓ તેમનાં બાળકોને ઘરે રાખે અને સલામતી માર્ગદર્શિકાનું પાલન કરે.