ન્યૂઝ શોર્ટમાં : વાંચો દેશ અને પરદેશમાં શું ચાલી રહ્યું છે

10 June, 2021 02:06 PM IST  |  New Delhi | Agency

ભારતમાં ગઈ કાલે સતત બીજા દિવસે કોરોનાના એક લાખ કરતાં ઓછા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૨,૫૯૬ કેસ નોંધાયા હતા

પ્રતીકાત્મક તસવીર

સતત બીજા દિવસે કોરોનાના નવા કેસનો આંક લાખ કરતાં ઓછો
ભારતમાં ગઈ કાલે સતત બીજા દિવસે કોરોનાના એક લાખ કરતાં ઓછા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૨,૫૯૬ કેસ નોંધાયા હતા, જે મંગળવાર કરતાં ૬૦૯૮ વધુ હતા. ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૨૨૧૯ લોકોનાં મોત નીપજ્યાં હતાં.દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૨,૯૦,૮૯,૦૬૯ કેસ નોંધાયા છે, જે પૈકી અૅક્ટિવ કેસ ૧૨,૩૧,૪૧૫ છે. તેમ જ કુલ ૩,૫૩,૫૨૮ લોકોનાં મોત નીપજ્યાં છે

વૅક્સિન સર્ટિફિકેટની ભૂલોને સુધારી શકાશે
વૅક્સિન સર્ટિફિકેટની ભૂલો હવે રસી લેનાર જાતે જ કોવિન પોર્ટલ પર સુધારી શકશે. સરકારે આ માટે કોવિન પોર્ટલમાં સુધારો કર્યો છે. યુનિયન હેલ્થ મિનિસ્ટરીના ઍડિશનલ સેક્રેટરી વિકાસ શીલે કહ્યું હતું કે જો સર્ટિફિકેટમાં તમારું નામ, જન્મ તારીખ તેમ જ લિંગમાં કોઈ ભૂલ હોય તો એમાં સુધારો થઈ શકશે. આ માટે  લોકોએ http://cowin.gov.in આ સાઇટ પર જવું પડશે. 

રશિયામાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું
રશિયામાં ત્રણ મહિને કોરોના વાઇરસે ફરી દેખા દીધી છે. માર્ચ મહિનાની શરૂઆતથી કોવિડ-19ના કેસ ઘટતા ગયા હતા, પરંતુ ગઈ કાલે ફરી એકવાર ૧૦,૦૦૦થી વધુ નવા કેસ બનતા સરકાર ચિંતામાં મુકાઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં રશિયામાં કોવિડના નવા ૧૦,૪૦૭ કેસ નોંધાયા હતા. એમાંથી સૌથી વધુ ૪૧૨૪ કેસ પાટનગર મૉસ્કોમાં રજિસ્ટર થયા છે. આ વર્ષે ૭ માર્ચ પછીનો આ સૌથી મોટો દૈનિક આંકડો છે. 

વૅક્સિન લેનારને ૨૦ કિલો ચોખા મફત!
અરુણાચલ પ્રદેશ રાજ્યમાં કોરોનાની વૅક્સિનને લઈને લોકોના મનમાં જાત-જાતની શંકાઓ છે જેને દૂર કરવા માટે આ રાજ્ય દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આ રસી મુકાવનારને ૨૦ કિલો ચોખા મફતમાં આપવાના પ્રલોભને પોતાનો રંગ દેખાડ્યો છે. જે ગામમાં એક પણ લોકો રસી મુકાવવા તૈયાર નહોતા ત્યાં ૮૦ વ્યક્તિઓએ રસી મુકાવી હતી. આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો સામે ચાલીને વૅક્સિન લેવા માટે આવ્યા હતા. લોઅર સુબાનસીરી જિલ્લાના સર્કલ ઑફિસર તાશી વાંગચુકે લોકોને આકર્ષવા આ પ્રકારનો આઇડિયા વિચાર્યો હતો,  

અમેરિકાએ અનેક દેશોના પ્રવાસે જવા વિશેની ચેતવણી હળવી કરી
અમેરિકાએ પોતાના નાગરિકોને ઑલિમ્પિક્સના યજમાન રાષ્ટ્ર જપાન સહિત અનેક દેશોના પ્રવાસે જવા સામે ચેતવતી જે સૂચના અગાઉ બહાર પાડી હતી એમાં હવે રાહત મૂકી છે. આ દેશોમાં કૅનેડા તથા મેક્સિકો અને ફ્રાન્સ, જર્મની સહિતનાં યુરોપનાં રાષ્ટ્રોનો પણ સમાવેશ છે. આના પરથી આશા જાગી છે કે વૅક્સિનેશનને કારણે વિદેશ પ્રવાસ થોડા જ સમયમાં પૂર્વવત્ થઈ જશે. અમેરિકી વહીવટીતંત્રએ પોતાના નાગરિકો માટે જાહેર કર્યું છે કે આ દેશોમાં જાઓ ત્યારે કોવિડ-વિરોધી નિયમોનું પાલન કરજો અને સાવચેતી રાખજો જ.

national news new delhi coronavirus covid19 covid vaccine vaccination drive united states of america russia