ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

23 December, 2021 08:09 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં ક્રિસમસ પાર્ટી પર બૅન મૂકવામાં આવ્યો; ચીનના શિયાન શહેરમાં ફરી લૉકડાઉન લાગુ કરાયું અને વધુ સમાચાર

ઓમાઇક્રોનને આવકાર : ઓમાઇક્રોનના ખતરા વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જોકે સરકાર, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને નિષ્ણાતોની ચેતવણીની અવગણના કરવામાં આવતી હોવાનું જોવા મળે છે. જેમ કે આગરામાં ગઈ કાલે તાજમહલને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટ્યા હતા. (તસવીર : પી.ટી.આઇ.)

પીએમ મોદી આજે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓમાઇક્રોનના ફેલાવાના પગલે દેશમાં કોરોનાની સ્થિતિની આજે સમીક્ષા કરશે. દેશમાં આ નવા વેરિઅન્ટના કેસની સંખ્યા ૨૦૦ કરતાં વધી ગઈ છે. આ પહેલાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે નવેમ્બરના અંતમાં મીટિંગ મળી હતી. એ સમયે વડા પ્રધાને ઓમાઇક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને ઇન્ટરનૅશનલ ટ્રાવેલ પરનાં નિયંત્રણો હળવા કરવાના પ્લાનની સમીક્ષા કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

 

બૂસ્ટર ડોઝની જરૂરનો આધાર વૈજ્ઞાનિક નિર્ણયો પર રહેશે

નવી દિલ્હી : આગામી થોડાં અઠવાડિયાંમાં યુરોપિયન દેશોમાં ઓમાઇક્રોનના કેસ વ્યાપક પ્રમાણમાં જોવા મળશે એમ જણાવીને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને લોકોને બૂસ્ટર ડોઝ લેવા માટે અપીલ કરી છે. ભારતમાં પણ ઓમાઇક્રોનના કેસ વધી રહ્યા છે ત્યારે નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે જણાવ્યું હતું કે કોવિડ વૅક્સિન બૂસ્ટર ડોઝની જરૂરિયાત, ટાઇમિંગ અને પ્રકારનો આધાર વૈજ્ઞાનિક નિર્ણયો પર રહેશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાને એના વિશે સંસદમાં જણાવ્યું છે. કોરોનાના આ નવા વેરિઅન્ટની ગંભીરતા વિશે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે ‘શરૂઆતમાં કોરોનાનાં હંમેશાં હળવાં લક્ષણો જોવા મળે છે. અમે ઊભરતા કેસોની પૅટર્નમાં કોઈ ફેરફાર થઈ રહ્યો છે કે નહીં એ જોઈ રહ્યા છીએ.’ તેમણે એમ પણ જણાવ્યું હતું કે મેડિકલ ઑક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે એના માટે સંકલિત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

 

દિલ્હીમાં ક્રિસમસ પાર્ટી પર બૅન મૂકવામાં આવ્યો

નવી દિલ્હી : ઓમાઇક્રોન વેરિઅન્ટના કેસના કારણે દિલ્હીમાં ક્રિસમસ અને ન્યુ યરની ઉજવણી માટેના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પાર્ટીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હી ડિઝેસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ ગઈ કાલે એના માટે આદેશ જારી કર્યો હતો. નોંધપાત્ર છે કે દેશમાં અત્યારે સૌથી વધુ ઓમાઇક્રોનના કેસ દિલ્હીમાં છે. અહીં ૫૭ કેસ છે. જેના પછી મહારાષ્ટ્રમાં ૫૪, તેલંગણામાં ૨૪, જ્યારે કર્ણાટકમાં ૧૯ કેસ છે. દરમ્યાનમાં હરિયાણામાં વૅક્સિનના બંને ડોઝ ન મેળવનારી વ્યક્તિઓને પહેલી જાન્યુઆરી પછી મૅરેજ હૉલ, હોટેલ, બૅન્ક, મૉલ, સરકારી ઑફિસ, બસ-સ્ટૉપ તેમ જ જાહેર સ્થળોએ પ્રવેશવાની છૂટ આપવામાં નહીં આવે. 

 

ચીનના શિયાન શહેરમાં ફરી લૉકડાઉન લાગુ કરાયું

બીજિંગ : દુનિયાભરમાં વધુ એક વખત કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીનના ઉત્તરમાં આવેલા શહેર શિયાનમાં ગઈ કાલે સખત લૉકડાઉન લાગુ કરીને ૧.૩ કરોડ લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ ટ્રાવેલિંગ પર પણ સખત નિયંત્રણો લાગુ કરી દેવાયાં છે. ચીનની રાજધાની બીજિંગમાં આવતા વર્ષે ઑલિમ્પિક્સ યોજવા માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અનેક શહેરોમાં કોરોનાના કેસ આવતાં ચીન હાઈ અલર્ટ પર છે. શિયાન પ્રોવિન્સમાં ગઈ કાલે કોરોનાના નવા બાવન કેસ આવ્યા હતા. આ સાથે જ અહીં કોરોનાના કેસની સંખ્યા વધીને ૧૪૩ થઈ છે જેના પછી અહીં લૉકડાઉન લાગુ કરી દેવાયું છે. 

national news international news lockdown coronavirus covid19 Omicron Variant narendra modi new delhi christmas china taj mahal world health organization