24 April, 2025 03:57 PM IST | Madhubani | Gujarati Mid-day Online Correspondent
મધુબનીમાં પીએમ નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્ય: એજન્સી)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબની જિલ્લામાં એક સરકારી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, પીએમ મોદીએ સૌપ્રથમ પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા રેલીમાં હાજર હજારો લોકોને મૌન પાળવા કહ્યું. પીએમ મોદીએ કહ્યું, `મારું ભાષણ શરૂ કરતાં પહેલા, હું તમને વિનંતી કરવા માગું છું કે તમે જ્યાં પણ હોવ ત્યાં બેસી જાઓ અને 22 તારીખે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન પાળો.` આપણે આપણા દેવી-દેવતાઓને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપીશું. તે પછી જ હું મારી વાત શરૂ કરીશ.
વડા પ્રધાને કહ્યું કે આતંકવાદીઓને ચોક્કસ સજા મળશે અને તેમના ઠેકાણાઓનો નાશ કરવાનો સમય આવી ગયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિકાસ માટે શાંતિ અને સુરક્ષા જરૂરી છે. વડા પ્રધાને બુધવારે જ સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ, સિંધુ જળ સંધિ રોકવાનો, દૂતાવાસમાંથી સ્ટાફ ઘટાડવાનો અને પાકિસ્તાનીઓના વિઝા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એવી અટકળો છે કે ભારત પાકિસ્તાન સામે લશ્કરી બળનો ઉપયોગ પણ કરી શકે છે.
અંગ્રેજીમાં આપ્યું ભાષણ
અહીં તેમણે પહેલી વાર અંગ્રેજીમાં ભાષણ આપ્યું. તેમણે આતંકવાદ પર વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો. પ્રધાનમંત્રીએ અંગ્રેજીમાં કહ્યું, "ફ્રૉમ દ સૉઇલ ઑફ બિહાર... આઈ એમ ટેલિંગ દ વર્લ્ડ ધેટ ઈન્ડિયા વિલ આઇડેનટીફાઈ એન્ડ ફિનિશ ઍવરી ટેરેરીસ્ટ. ઇન્ડિયાઝ સ્પિરિટ વિલ નેવર બ્રૅક ડાઉન." (બિહારની ધરતી પરથી... હું આખી દુનિયાને કહી રહ્યો છું કે ભારત દરેક આતંકવાદીને પકડશે અને તેનો ખાતમો કરશે. ભારતનો જુસ્સો ક્યારેય તૂટશે નહીં.) પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, મૃતકોને ન્યાય મળે તેના તમામ પ્રયાસો કરવામાં આવશે. હુમલાખોરોને એવી સજા આપીશું જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય. માનવતામાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ આપણી સાથે છે. હું વિશ્વના બધા દેશના લોકો અને તેમના નેતાઓનો આભાર માનું છું, જેઓ આ સમયમાં આપણી સાથે ઉભા રહ્યા છે.)
અંગ્રેજીમાં કેમ આપ્યું ભાષણ?
તમને જણાવી દઈએ કે આ પહેલી વાર છે જ્યારે વડા પ્રધાન મોદીએ અંગ્રેજીમાં ભાષણ આપ્યું છે. આનું કારણ પણ સ્પષ્ટ છે. ભારત હવે આતંકવાદ પર વિશ્વને સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે. ભારત હવે આવા ક્રૂર હુમલાઓને સહન કરશે નહીં. પીએમએ આતંકવાદીઓને ચેતવણી આપી છે કે ભારત હવે પોતાના ઉપર થયેલા અન્યાય બાદ શાંત નહીં બેસે. પોતાના અંગ્રેજી ભાષણમાં, પીએમએ યુરોપિયન યુનિયન, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ, રશિયા ચીન અને અન્ય દેશોનો પણ આભાર માન્યો. ઉલ્લેખનીય છે કે આ દેશોએ પહલગામ હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે તેઓ આતંકવાદના મુદ્દા પર ભારતની સાથે ઉભા રહેશે.