વૃદ્ધો મરી જાય તો કંઈ વાંધો નહીં, બાળકોને પહેલાં રસી આપવાની જરૂર હતી

13 June, 2021 01:19 PM IST  |  Jaipur | Agency

રાજસ્થાન સરકારના પ્રધાનનું નફ્ફટાઈભર્યું નિવેદન

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ મહામારીના સમયમાં રાજનેતાઓએ ઘણું જ્ઞાન આપ્યું છે. કોઈએ ગૌમૂત્ર વડે કોરોના દૂર કરવાનો દાવો કર્યો તો કોઈએ બીજાં વિવાદિત નિવેદનો આપ્યાં છે. ત્યારે આ યાદીમાં હવે રાજસ્થાન સરકારના એક પ્રધાનનું નામ પણ ઉમેરાયું છે. રાજસ્થાન સરકારના ઊર્જા અને જળ પ્રધાન બી. ડી. કલ્લાએ કોરોના વૅક્સિનેશનને લઈને જ્ઞાન આપ્યું છે. તેમના નિવેદન બાદ વિવાદ શરૂ થયો છે.

રાજસ્થાનના ઊર્જા અને જળ પ્રધાન બી. ડી. કલ્લાએ વૅક્સિનેશનને લઈને નવું જ જ્ઞાન આપ્યું છે. તેમણે કહ્યું કે તમને ખબર છે કે રસી કોને આપવામાં આવે છે? આજ સુધી આપણા દેશમાં રસી તો બાળકોને જ લગાવવામાં આવે છે. તો આ વૃદ્ધોને રસી કેમ આપવામાં આવે છે? તેમણે આગળ કહ્યું કે કોરોનામાં પણ સૌથી પહેલાં બાળકોને જ રસી આપવાની જરૂર હતી, કારણ કે બાળકોને બચાવવા સૌથી વધારે જરૂરી છે.

કલ્લાએ કહ્યું કે મોદી સરકારે કોરોનાની રસી મફતમાં વૃદ્ધોને આપવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે મેં વૃદ્ધોને કહેતા સાંભળ્યા છે કે અમે તો આમ પણ ૮૦-૮૫ વર્ષના થયા છીએ. અમે કોરોનાથી મરી જઈએ તો કંઈ નહીં. પહેલાં અમારાં બાળકોને રસી આપો. આ સિવાય તેમણે કેન્દ્ર સરકારની વૅક્સિનેશન પૉલિસીને લઈને પણ આકરા પ્રહાર કર્યા છે.

તેમણે આગળ કહ્યું કે પીએમ વૅક્સિનેશન નીતિ ખોટી છે. રસી આવી ત્યારે સૌથી પહેલાં તે બાળકોને આપવાની જરૂર હતી, પરંતુ મોદી સરકારે આવું ના કર્યુ, જેના કારણે સમસ્યાઓ થઈ છે. કેન્દ્રિય જળ સંસાધન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજસ્થાન સરકારના મંત્રી બીડી કલ્લાનું 
નિવેદન ટ્વીટ કરીને તેને હાસ્યાસ્પદ ગણાવ્યું છે.

rajasthan national news coronavirus covid19 covid vaccine vaccination drive