દેશમાં હજીયે દર ત્રણમાંથી એક વ્યક્તિ પર કોરોનાનું જોખમ

21 July, 2021 12:06 PM IST  |  New Delhi | Agency

ડૉ. બલરામ ભાર્ગવ કહે છે, `૬૭ ટકા ભારતીયોમાં કોરોના ઍન્ટિબૉડીઝનું રક્ષણ છે’

દેશમાં હજીયે દર ત્રણમાંથી એક વ્યક્તિ પર કોરોનાનું જોખમ

ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે લોકોને કોરોના ન થાય એ માટે જરૂરી સાવધાની રાખવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે ‘આજે પણ દેશના ત્રણ પૈકી એક વ્યક્તિને કોરોના સંક્રમણ થવાનો ભય છે.’
ચોથા રાષ્ટ્રીય સીરો સર્વેની માહિતી આપતી વખતે તેમણે કહ્યું હતું કે દેશના ત્રીજા ભાગના લોકોને હજી રસી મળી નથી. તેથી આવા ૪૦ કરોડ લોકોને માથે ભય મંડરાયેલો છે. આ વર્ષ જૂન-જુલાઈમાં દેશના ૭૦ જિલ્લામાં ૬થી ૧૭ વર્ષનાં બાળકો સહિત કેટલા લોકોને કોરોના થયો હતો એ મામલે સર્વે કરાયો હતો જેમાંથી ખબર પડી હતી કે ૭૨૫૨ જેટલા હેલ્થવર્કરોએ હજી પણ કોરોનાની વૅક્સિન લીધી નથી.
ડૉ. ભાર્ગવે કહ્યું હતું કે ‘કોરોના મહામારીને લઈને આપણે ગફલતમાં રહેવું ન જોઈએ. તેમ જ કોરોના ન થાય એ માટે આવશ્યક સાવચેતી રાખવી જોઈએ. જોકે દેશમાં છ વર્ષથી ઉપરના બે-તૃતીયાંશ એટલે કે ૬૭ ટકા લોકોમાં ઍન્ટિબૉડીઝ (ઇમ્યુનોગ્લોબલિન એટલે કે સાર્સ વાઇરસ સામે રક્ષણ આપતું ઇમ્યુન સિસ્ટમમાંનું પ્રોટીન) છે. એકંદરે કોરોના સામેની લડત આપણે જીતી ગયા છીએ એવા ખ્યાલમાં હજી કોઈએ રહેવું નહીં.’

national news coronavirus covid vaccine covid19