૧૦૦ કરોડ લોકોને ઑક્ટોબરના પહેલા સપ્તાહ સુધીમાં વૅક્સિન આપવાનો ટાર્ગેટ

19 September, 2021 12:30 PM IST  |  New Delhi | Agency

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવા જેવાં રાજ્યોમાં જ્યાં ચૂંટણી થવાની છે ત્યાં તમામને રસી આપવાની સરકારની યોજના છે

દિલ્હીમાં વૅક્સિન મુકાવતા સિનિયર સિટીઝન.

ભારત સરકારને સીરમ તરફથી કુલ ૨૦ કરોડ કોવિશીલ્ડ વૅક્સિન મળવા જઈ રહી છે અને ભારત બાયોટેક પણ ૩.૫ કરોડ વૅક્સિન સપ્લાય કરવાની તૈયારી કરી રહ્યું છે. એવામાં આગામી દિવસોમાં વૅક્સિન સંકટ વધુ ઘટી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર ભારતમાં કોરોના વૅક્સિનેશન મામલે અનેક રેકૉર્ડ સ્થાપિત થયા છે.
પહેલી વખત દેશમાં એક જ દિવસમાં ૨.૫૦ કરોડ કરતાં પણ વધારે લોકોને વૅક્સિન આપવામાં આવી છે. એવામાં હવે વૅક્સિનેશનના કામમાં ગતિ આવી છે અને ઑક્ટોબર મહિનાના પહેલા સપ્તાહ સુધીમાં ૧૦૦ કરોડ લોકોને વૅક્સિન આપી દેવાનો ટાર્ગેટ છે. અત્યાર સુધી દેશમાં ૮૦ કરોડ વૅક્સિનના ડોઝ આપવામાં આવ્યાં છે. એવું કહેવાય છે કે જે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં ૧૦૦ ટકા વૅક્સિનેશન માટે જોર આપવામાં આવી રહ્યું છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં કેન્દ્ર ઝડપથી સંપૂર્ણ વસ્તીને કોરોના વૅક્સિન આપવા માગે છે. એનું કારણ ખૂબ જ સરળ છે, કોરોનાનો અંત નથી આવ્યો, પરંતુ લોકશાહીના સૌથી મોટા પર્વ દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન પડકાર બની શકે છે. ચૂંટણીવાળાં રાજ્યો સિવાય દક્ષિણ ભારતના કેરલા અને કર્ણાટકમાં પણ વૅક્સિનેશન ઝડપી બનાવવા જોર આપવામાં આવી રહ્યું છે. ત્યાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે માટે વૅક્સિન કવચ દ્વારા મહામારીને રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 

35,662
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા હતા.

national news coronavirus covid19 covid vaccine new delhi