વસઈનો યુવાન કોરોના-મુક્ત થયા પછી એવરેસ્ટની ટોચ પર પહોંચ્યો

23 June, 2021 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હર્ષવર્ધન ઍન્ટિ કોવિડ વૅક્સિનેશનને કારણે નિર્ભય થઈને શિખર સર કરવાની સિદ્ધિ મેળવી શક્યો હોવાનું જણાવે છે

હર્ષવર્ધન જોશી

વસઈના રહેવાસી પચીસ વર્ષના યુવાન હર્ષવર્ધન જોશીએ કોરોના-ઇન્ફેક્શનમાંથી સાજા થયા પછી હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાની સાહસ યાત્રા શરૂ કરીને કુલ ૬૫ દિવસમાં ૨૩ મેએ સાહસયાત્રા પૂરી કરી હતી.

હર્ષવર્ધન ઍન્ટિ કોવિડ વૅક્સિનેશનને કારણે નિર્ભય થઈને શિખર સર કરવાની સિદ્ધિ મેળવી શક્યો હોવાનું જણાવે છે. તેને કોરોના ઇન્ફેક્શન એસિમ્પ્ટમેટિક હતું. જોકે આ ઇન્ફેક્શન હળવું હોય તો પણ રિકવરી પછી નબળાઈ ઘણી રહેતી હોય છે. એ સંજોગોમાં હર્ષવર્ધને આ સાહસ યાત્રા માટે આગળ વધવાનો હિંમતભર્યો નિર્ણય લીધો હતો. ગયા વર્ષે રોગચાળાને કારણે આ સાહસ યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી.

હર્ષવર્ધને ૬૫ દિવસમાં પૂરી કરેલી સાહસ યાત્રાને ‘સંગ-હર્ષ’ નામ આપવામાં આવ્યું હતું. મધ્યમવર્ગીય પરિવારના આ યુવાન માટે બેઝ કૅમ્પ પર પહોંચે એ પહેલાંથી સંજોગો પડકારરૂપ બન્યા હતા. બેઝ કૅમ્પ પર સાહસવીરોની અન્ય ટીમો પણ હતી. એવરેસ્ટ તરફ જતા એક ખીણ પ્રદેશમાંથી પસાર થતી વેળા હર્ષ અને તેના કેટલાક સાથી બીમાર પડ્યા. ‘ખૂમ્બુ કફ’ નામની બીમારીનાં કેટલાંક લક્ષણો કોવિડ ઇન્ફેક્શનનાં લક્ષણોને મળતાં આવે છે. એથી ટેસ્ટ કરીને કન્ફર્મ કરવું જરૂરી હતું. ટીમના એક ડૉક્ટરની પત્ની વિમાનમાં કેટલીક ટેસ્ટ કિટ્સ લઈને આવી અને તેણે ‘રૅન્ડમ  રૅપિડ ઍન્ટિજન ટેસ્ટ’ કરીને દરેકના આરોગ્યની સ્થિતિનો નિર્ણય લેવાનો માર્ગ મોકળો કર્યો હતો. જોકે એ પરિસ્થિતિમાંથી અમે બહાર નીકળી ગયા હતા. બેઝ કૅમ્પ-ટૂ તરફની યાત્રા શરૂ કરતાં પહેલાં પણ જોશીએ કોરોના માટે ટેસ્ટ કરાવી હતી અને દસેક દિવસ રાહ જોઈ હતી.

offbeat news mumbai mumbai news vasai mount everest coronavirus covid19