અશ્વિને બોલિંગ-ઍક્શનના વિવાદના મુદ્દે પાકિસ્તાનના ઉસ્માન તારિકનો બચાવ કર્યો

12 February, 2026 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને શ્રીવત્સ ગોસ્વામીની પોસ્ટ પર જવાબ આપતાં ઉસ્માન તારિકનો બચાવ કર્યો હતો

ઉસ્માન તારિક

પાકિસ્તાનનો ૨૮ વર્ષનો સ્પિનર ઉસ્માન તારિક તેની બોલિંગ-ઍક્શનને કારણે વિવાદમાં છે. નવેમ્બર ૨૦૨૫માં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર આ સ્પિનર ૪ T20 મૅચમાં ૧૧ વિકેટ લઈ ચૂક્યો છે. અમેરિકા સામેની T20 વર્લ્ડ કપ મૅચ દરમ્યાન પૉઝ ઍન્ડ ડિલિવર અને છૂટો બૉલ ફેંકવાની તેની ઍક્શનને કારણે ફરી તેના પર સવાલ ઊઠ્યા હતા.

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીવત્સ ગોસ્વામીએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘ફુટબૉલમાં પણ ખેલાડીઓને પેનલ્ટી રન-અપ દરમ્યાન થોભી ગયા પછી ગોલ કરવાની મંજૂરી નથી અને ક્રિકેટમાં પણ આવી જ ચકાસણી લાગુ કરવી જોઈએ. ઉસ્માન તારિક બૉલ ફેંકવાની અણીએ હોય ત્યારે થોભી જાય છે, આને ગંભીરતાથી લેવું જોઈએ.’ રસપ્રદ વાત એ છે કે ગયા વર્ષે ICC દ્વારા આ સ્પિનરને બે વાર ક્લિયર કરવામાં આવ્યો છે અને તેની ઍક્શન ઑફિશ્યલ રીતે કાયદેસર છે.

ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને શ્રીવત્સ ગોસ્વામીની પોસ્ટ પર જવાબ આપતાં ઉસ્માન તારિકનો બચાવ કર્યો હતો. તેણે લખ્યું કે હું સંમત છું કે ફુટબૉલ આની મંજૂરી આપતું નથી. જ્યારે બૅટ્સમૅન અમ્પાયર અથવા બોલરને જાણ કર્યા વિના એક બાજુ બૅટિંગ કર્યા પછી સ્વિચ-હિટ અથવા રિવર્સ સ્વિંગ કરી શકતા હોય તો પ્રતિબંધો બોલરો સુધી મર્યાદિત કેમ છે? બોલરોને અમ્પાયરને જાણ કર્યા વિના પોતાનો હાથ બદલવાની મંજૂરી નથી હોતી. તેમણે પહેલાં એ નિયમ બદલવો જોઈએ.’ 

t20 world cup international cricket council world cup pakistan ravichandran ashwin cricket news sports sports news