પંજાબમાં ઑક્ટોબર-નવેમ્બરમાં રમાશે એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી હૉકી ટુર્નામેન્ટ

16 September, 2026 11:28 AM IST  |  Mohali | Gujarati Mid-day Correspondent

૧ નવેમ્બરે ભારત-પાકિસ્તાનની મેન્સ ટીમો વચ્ચે ટક્કર

મેન્સ એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી હૉકી 2026 પંજાબના જાલંધર અને મોહાલીમાં ૨૭ ઑક્ટોબરથી ૫ નવેમ્બર દરમ્યાન રમાશે

મેન્સ એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી હૉકી 2026 પંજાબના જાલંધર અને મોહાલીમાં ૨૭ ઑક્ટોબરથી ૫ નવેમ્બર દરમ્યાન રમાશે. ૨૦૧૧થી રમાતી આ લીગની નવમી સીઝનમાં યજમાન ભારત, પાકિસ્તાન, ચીન, જપાન, મલેશિયા અને સાઉથ કોરિયાની એમ ૬ ટીમો ભાગ લેશે. ઓમાન અને બંગલાદેશને રિઝર્વ ટીમો તરીકે પસંદ કરવામાં આવી છે.

આ ટુર્નામેન્ટમાં ભારત પાંચ વખત, પાકિસ્તાન ત્રણ વખત અને સાઉથ કોરિયા એક વખત ચૅમ્પિયન બન્યું છે. ભારતીય ટીમ છેલ્લી બન્ને સીઝનમાં વિજેતા હતી. અગાઉ 2023માં ચેન્નઈમાં ભારતે આ ટુર્નામેન્ટની પહેલી વખત યજમાની કરી હતી.

હૉકી ઇન્ડિયાના અધિકારીઓ સાથેની એક પ્રેસ-કૉન્ફરન્સમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું હતું કે ‘પંજાબ સરકારે ચૅમ્પિયનશિપના સફળ આયોજન માટે ૨૫.૪૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. કેન્દ્ર સરકારની નવી નીતિ અનુસાર બહુ-રાષ્ટ્રીય ટુર્નામેન્ટોમાં પાકિસ્તાની ટીમ ભારતમાં રમે એમાં કોઈ સમસ્યા નથી.’

૧ નવેમ્બરે જાલંધરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ-સ્ટેજની મૅચ રમાશે. 

hockey Indian Mens Hockey Team india pakistan punjab sports sports news china japan malaysia south korea