ડર, પૈસા અને સમયનો અભાવ

28 October, 2021 10:37 AM IST  |  Mumbai | Somita Pal

આ કારણો આપી રહ્યા છે અત્યાર સુધી રસી ન લેનારા ધારાવીના લોકો

ઍક્ટર સોનુ સૂદ અને શાળાના ૩૬ વિદ્યાર્થીઓએ રસીકરણ ઝુંબેશમાં હાજર રહીને લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ધારાવીમાં ચાલી રહેલી વ્યાપક રસીકરણ ઝુંબેશમાં અત્યાર સુધી રસીનો ડોઝ ન લેવાનાં અનેક કારણો લોકોએ આપ્યાં હતાં. લોકોએ જણાવ્યું હતું કે રસીકરણની આડઅસરનો ભય, સરકારી હૉસ્પિટલમાં રસી લેવા જવા માટે સમયનો અભાવ, રસીકરણ માટે જરૂરી દસ્તાવેજ ન હોવા જેવાં કારણોને લીધે અત્યાર સુધી રસી નહોતી મુકાવી શક્યા. ધારાવીના ઘણા રહેવાસીઓએ રવિવારે રસીનો પહેલો ડોઝ મુકાવ્યો હતો.
બાવીસ વર્ષની પ્રતિભા પોટે રવિવારે પહેલો ડોઝ મુકાવનારાઓમાંની એક હતી. તેનાં માતા-પિતા અને ભાઈએ પણ પહેલો ડોઝ મુકાવ્યો હતો. એની આડઅસરો જોઈને પ્રતિભાએ રસી લેવાનું અત્યાર સુધી ટાળ્યું હતું. પ્રતિભાએ કહ્યું હતું ‘મારા પરિવારજનોને રસીનો ડોઝ લીધા પછી તાવ અને શરીરમાં દુખાવો રહ્યા હતા. એ જોઈને હું ગભરાઈ ગઈ હતી. એ કારણે હું ટાળતી રહી, પણ આખરે માતાના આગ્રહ પર આ વખતે ડોઝ લેવા આવી.’
પ્રતિભાની પાડોશી ૨૧ વર્ષની સોનલ પટવા અગાઉ આવી હતી, પણ તેનું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોવાથી રજિસ્ટર નહોતી કરાવી શકી. રવિવારની રસીકરણ ઝુંબેશમાં સોનલે પહેલો ડોઝ લીધો હતો. તે કહે છે, ‘મારા પિતાએ મારા માટે નવું આધાર કાર્ડ બનાવ્યું છે. હું હમણાં જ ગ્રૅજ્યુએટ થઈ છું અને નોકરીની શોધમાં છું. હવે બધે જ વૅક્સિનેશન સર્ટિફિકેટ માગે છે. હું ખુશ છું કે અંતે મને પહેલો ડોઝ મળી ગયો.’
ઘરકામ કરતાં ૪૫ વર્ષનાં છાયા શિંદે અને ૪૨ વર્ષનાં મલ્લમા પિલ્લઈએ કહ્યું હતું કે ‘કામકાજમાંથી રસી લેવા આવવાનો સમય કાઢવો અત્યંત મુશ્કેલ છે. આજની ખાસ ઝુંબેશને જોઈ છાયાને થયું કે મારે આ તક ન ચૂકવી જોઈએ.’
 તેના પતિએ પણ આજે રસીનો પહેલો ડોઝ લીધો હતો. રવિવારની ધારાવીની રસીકરણ ઝુંબેશ ડૉ. ગૌતમ ભણસાલીના ગોલ્ડન અવર ફાઉન્ડેશન તથા બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી હતી, જેમાં ઍક્ટર સોનુ સૂદ અને શાળાના ૩૬ વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. સોનુ સૂદે વિદ્યાર્થીઓ સાથે ધારાવીમાં આવીને લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. મુંબઈમાં પાત્ર લોકવસ્તીના ૯૮ ટકા લોકોએ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લઈ લીધો હોવા છતાં ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોએ પહેલો ડોઝ પણ 
નહોતો લીધો. સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક પ્રશાસન ઝૂંપડપટ્ટીના લોકો સુધી પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવી 
રહ્યાં છે.
રસી પોસાય એમ ન હોવાથી જેમણે પહેલો ડોઝ નથી લીધો એવા લોકો માટે ગોલ્ડન અવર ફાઉન્ડેશન અને બીએમસી દ્વારા સંયુક્ત ઉપક્રમે ઝૂંપડપટ્ટીઓમાં લોકોને રસી આપવાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે.
ડૉ. ભણસાલીએ કહ્યું હતું કે ‘રસી ન લીધી હોય એવા લોકો અને વિસ્તારોની માહિતી બીએમસી દ્વારા અમને પૂરી પાડવામાં આવી છે. આથી અત્યારે અમે મુંબઈના એવા નવ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રસીકરણની કામગીરી કરી રહ્યા છીએ. આ ઝુંબેશ પાછળ પ્રયાસ એવો જ છે કે પાત્ર હોય એવા તમામ લોકોનું રસીકરણ કરીને વાઇરસને મહાત આપવી.’

Mumbai mumbai news coronavirus covid vaccine covid19 somita pal dharavi