બાળકો માટે રસીકરણ શરૂ થવાની તૈયારી છે ત્યારે કો-મૉર્બિડ બાળકોને પ્રાથમિકતા આપવાની માગણી

07 October, 2021 12:34 PM IST  |  Mumbai | Somita Pal

મુંબઈમાં ૧૨થી ૧૭ વર્ષનાં ૧૦ લાખ બાળકો હોવાનો અંદાજ છે

વડાલાના જ્ઞાનેશ્વર વિદ્યાલયના વિદ્યાર્થીઓ સોમવારે વર્ગમાં હાજર રહ્યા હતા (તસવીર : આશિષ રાજે)

શાળાઓ ખૂલી ગઈ છે અને આવતા મહિના સુધીમાં બાળકો માટેની રસી શરૂ થવાની અપેક્ષા છે, ત્યારે પીડિયાટ્રિક ટાસ્ક ફોર્સે બાળકોના રસીકરણ દરમ્યાન કો-મૉર્બિડિટી ધરાવતાં બાળકોને પ્રાથમિકતા આપવાનું સૂચન કર્યું છે. મુંબઈમાં ૧૨થી ૧૭ વર્ષનાં ૧૦ લાખ બાળકો હોવાનો અંદાજ છે.

ઝાયડસ કૅડિલાની કોવિડ-19 રસી–ઝાયકોવ-ડી ૧૨ વર્ષથી ઉપરનાં બાળકો અને પુખ્તોને અપાશે. રસીકરણ કાર્યક્રમના ભાગરૂપે ટૂંક સમયમાં આ રસી શરૂ કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે ત્યારે ટાસ્ક ફોર્સ અને રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ આગામી મહિને અથવા ડિસેમ્બરના પ્રારંભ સુધીમાં આ રસી આવી શકે છે તેવા સંકેત આપ્યા હતા.

રાજ્યની પીડિયાટ્રિક ટાસ્ક ફોર્સના સભ્ય અને પીડિયાટ્રિશ્યન બકુલ પારેખે જણાવ્યું હતું કે ‘ચાલુ વર્ષના અંત સુધીમાં બાળકો માટે બેથી ત્રણ રસીઓનું આગમન થશે. રસીકરણ દરમ્યાન કો-મૉર્બિડિટી ધરાવતાં બાળકોને પ્રાથમિકતા આપવી જોઈએ, કારણ કે જો તેઓ કોરોનામાં સપડાય તો તેમની સ્થિતિ વધુ સમસ્યારૂપ બની શકે છે. અમે આ માટે કો-મૉર્બિડિટીની યાદી તૈયાર કરીને એ સરકારને સુપરત કરીશું.’.

દરમ્યાન બીએમસીએ બાળકો માટેનાં કોરોના રસીકરણ કેન્દ્રોની સંખ્યા ન વધારવાનો નિર્ણય લીધો છે. ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે ‘બાળકો માટે રસીકરણ કાર્યક્રમ શરૂ થાય ત્યાં સુધીમાં પુખ્ત વયનાઓએ મહદંશે રસી લઈ લીધી હશે. હાલનાં ૩૨૫ કેન્દ્રો પર ભીડ ઓછી થઈ જશે. આથી અમે બાળકો માટે પણ વર્તમાન સુવિધાઓનો ઉપયોગ કરી શકીશું.’

mumbai mumbai news coronavirus covid19 covid vaccine vaccination drive somita pal