ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશમાં શું ચાલી રહ્યું છે

25 June, 2021 01:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડૉક્ટરની પોણાત્રણ વર્ષની પુત્રી પર કોવૅક્સિનની ટ્રાયલ; ટ્વેલ્થની માર્ક્સ ગણતરીની યોજના ૧૦ દિવસમાં જાહેર કરો અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટરની પોણાત્રણ વર્ષની પુત્રી પર કોવૅક્સિનની ટ્રાયલ

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના ગામમાં પોણાત્રણ વર્ષની બાળકીને ભારત બાયોટેકની કોવૅક્સિન આપીને બાળકો પર ઍન્ટિકોવિડ વૅક્સિનની ટ્રાયલ્સ શરૂ કરવામાં આવી હતી. એ બાળકી ડૉક્ટરની દીકરી છે. ગયા મે મહિનામાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ કોવૅક્સિનની બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ્સ બે વર્ષ સુધીનાં બાળકો પર કરવાની પરવાનગી આપી હતી. એ બાળકી સહિત બે વર્ષથી છ વર્ષ વચ્ચેની ઉંમરનાં પાંચ બાળકોને કોવૅક્સિન આપવામાં આવી હતી.

 

રાહુલ ગાંધીએ સુરતની કોર્ટમાં સ્ટેટમેન્ટ આપ્યું

સુરત: ‘મોદી’ અટક વિશે અણછાજતી ટીપ્પણી કરવા બદલ સુરતના બીજેપીના સંસદ સભ્ય પૂર્ણેશ મોદીએ માંડેલા બદનક્ષીના દાવા સંદર્ભે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી ગઈકાલે સુરતની મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં હાજર થયા હતા અને આરોપો નકાર્યા હતા. રાહુલ ગાંધીએ ‘મોદી’ અટક ધરાવતી વ્યક્તિઓ માટે બદનક્ષીભર્યા શબ્દો ઉચ્ચાર્યાનો ઇનકાર કર્યો હતો. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પૂર્વે કર્ણાટકના કોલારમાં સભાને સંબોધન કરતાં ‘મોદી’ અટક ધરાવતી વ્યક્તિઓ માટે ‘ચોર’ જેવા અપમાનજનક શબ્દો કહેવા બદલ પૂર્ણેશ મોદીએ બદનક્ષીનો દાવો માંડ્યો હતો.

 

ટ્વેલ્થની માર્ક્સ ગણતરીની યોજના ૧૦ દિવસમાં જાહેર કરો

નવી દિલ્હી: વાસ્તવિક પરીક્ષાઓ રદ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે ગઈ કાલે વિવિધ રાજ્યોના બોર્ડને ૧૦ દિવસમાં ૧૨મા ધોરણની આકારણી યોજના સૂચિત કરવાનો તેમ જ ૩૧ જુલાઈ પહેલાં પરિણામ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. વિવાદો કે વિદ્યાર્થીઓની સમસ્યાઓના નિકાલ માટે યોગ્ય પદ્ધતિની જોગવાઈ કરવી આવશ્યક છે.

national news coronavirus covid19 covid vaccine vaccination drive rahul gandhi