ભારતનાં ૧૧ રાજ્યોમાં કોરોનાની એન્ટ્રી કેરલા પહેલા નંબરે, મહારાષ્ટ્ર ત્રીજા

21 May, 2025 07:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાં ૨૫૭ ઍક્ટિવ કેસ : સરકારે કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી

પ્રતીકાત્મક તસવીર

કોરોનાવાઇરસના નવા પ્રકારથી અત્યાર સુધીમાં ૨૫૭ લોકો પ્રભાવિત થયા છે અને એનાથી દેશનાં ૧૧ રાજ્યો પ્રભાવિત થયાં છે. એમાં દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરલા, તામિલનાડુ, હરિયાણા, પૉન્ડિચેરી, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાજસ્થાન અને કર્ણાટકનો સમાવેશ થાય છે. આનાથી આરોગ્ય એજન્સીઓ ફરી એક વાર સક્રિય થઈ ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કોવિડ ડૅશબોર્ડ પર ઉપલબ્ધ માહિતી અનુસાર અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના ૨૫૭ સક્રિય કેસ છે. આમાં ૧૬૪ નવા કેસ નોંધાયા છે. મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ હૉસ્પિટલમાં પણ બે લોકોનાં મોત થયાં છે. જોકે આ મૃત્યુ પાછળ અન્ય કારણો આપવામાં આવ્યાં છે. સરકારના જણાવ્યા અનુસાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેસ્ટિંગ અને દેખરેખ વધુ તીવ્ર બનાવવામાં આવ્યાં છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.

હાલમાં કેરલામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે જ્યાં સક્રિય દરદીઓની સંખ્યા ૯૫ પર પહોંચી ગઈ છે. તામિલનાડુ બીજા સ્થાને છે જ્યાં હાલમાં કુલ ૬૬ સક્રિય કેસ છે. આ પછી મહારાષ્ટ્ર આવે છે જ્યાં સક્રિય કેસની કુલ સંખ્યા ૫૬ છે. ગુજરાતમાં કોરોનાના ૭ સક્રિય કેસ છે, જેમાંથી ૬ નવા કેસ નોંધાયા છે. પૉન્ડિચેરીમાં કોરોનાના કેસ ઘટ્યા છે. હાલમાં અહીં ૧૦ સક્રિય કેસ છે, જ્યારે ૩ દરદીઓ સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. હરિયાણામાં પણ કોરોનાનો એક નવો કેસ મળી આવ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા છે. આમાંથી ૩ કેસ નવા છે.

કેન્દ્રીય આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ICMRના અધિકારીઓની બેઠકમાં પરિસ્થિતિનાં તમામ પાસાંઓ પર વિચારણા કરવામાં આવી હતી. અત્યાર સુધી નોંધાયેલા તમામ કેસ મધ્યમ શ્રેણીના છે અને ગંભીર શ્રેણીમાં કોઈ દરદી નોંધાયો નથી.

coronavirus covid vaccine covid19 health tips maharashtra kerala gujarat tamil nadu mumbai KEM Hospital haryana ministry of health and family welfare indian government national news news