ઇન્ડેક્સ ૮૦,૭૨૧ ખૂલીને ૮૧,૩૭૪ની ઉપલી અને ૭૮,૧૧૩ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
પ્રતીકાત્મક તસવીર
સ્પૉટ બિટકૉઇન ઈટીએફની નવી માગ ઘટવાને પગલે તથા અમેરિકામાં મંદીની શરૂઆત થવાની ભીતિને કારણે સોમવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો થયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૨.૨૭ ટકા (૧૮૨૯ પૉઇન્ટ) ઘટીને ૭૮,૮૯૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૦,૭૨૧ ખૂલીને ૮૧,૩૭૪ની ઉપલી અને ૭૮,૧૧૩ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ ઘટક કૉઈન ઘટ્યા હતા, જેમાંથી પોલકાડૉટ, ડોઝકૉઇન, શિબા ઇનુ અને સોલાના ૪થી ૫ ટકાની રેન્જમાં ટોચના ઘટનારા હતા. દરમ્યાન ઑસ્ટ્રેલિયા વર્તમાન કૅલેન્ડર વર્ષના અંત સુધીમાં ઑસ્ટ્રેલિયન સિક્યૉરિટીઝ એક્સચેન્જ પર સ્પૉટ બિટકૉઇન ઈટીએફ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. અમેરિકામાં બિટકૉઇન ઈટીએફ સફળ રહ્યા હોવાથી ઑસ્ટ્રેલિયાએ આ નિર્ણય લીધો છે. અન્ય એક અહેવાલ મુજબ ડિજિટલ ઍસેટ્સ ક્ષેત્રે વધી રહેલા ગુનાઓને અને છેતરપિંડીને અનુલક્ષીને દક્ષિણ કોરિયા હંગામી ધોરણે રચાયેલા તપાસ એકમને હવે કાયમી સ્વરૂપ આપવા માગે છે.