Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સિનિયર અધિકારીઓની ચાલચલગતની ૩૬૦ ડિગ્રી ખણખોદ કરાવે છે કંપનીઓ

સિનિયર અધિકારીઓની ચાલચલગતની ૩૬૦ ડિગ્રી ખણખોદ કરાવે છે કંપનીઓ

29 April, 2024 06:41 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિમિનલ રેકૉર્ડ સહિતના બૅકગ્રાઉન્ડ ચેકની વાત તો સમજ્યા, પણ હવે સોશ્યલ મીડિયા પરની કમેન્ટ‍્સ તથા લગ્નજીવનના પ્રૉબ્લેમ્સ પર પણ નજર રાખવામાં આવી રહી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણામાં કહેવત છે, ‘વિશ્વાસે વહાણ ચાલે’. હજી પણ ઘણી જગ્યાએ વિશ્વાસે વહાણ ચાલે છે, પરંતુ વર્તમાન યુગમાં વિશ્વાસ વહાણની પાછલી સીટ પર બેસી ગયો હોય એવું અનેક વાર પ્રતીત થાય છે. વળી, હાલના સોશ્યલ મીડિયાના સમયમાં મનુષ્ય ઍન્ટિ-સોશ્યલ અર્થાત્ અસામાજિક પ્રવૃત્તિ કરવા લાગે એવું જોખમ પણ વધી ગયું છે. આવામાં ‘ઉપરવાલા દેખ રહા હૈ’નું સૂત્ર હવે પ્રચલિત થવા લાગ્યું છે. ઉપરવાલા એટલે કે ભગવાનની બીક રહી નથી, પરંતુ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV)નો ડર કે ધાક બેસાડવાની કોશિશ ચાલી રહી છે. આટલું ઓછું હોય એમ હવે ભારતીય કંપનીઓ વધુ ને વધુ પ્રમાણમાં પોતાના ટોચના અધિકારીઓ પર નજર રાખવા માટે વિવિધ ઉપાયો અજમાવવા લાગી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. 

કંપનીઓ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સહિતના સિનિયર અધિકારીઓ પર ચાંપતી નજર રાખવા માટે અનેક પ્રકારની રીત અપનાવી રહી છે અને એ કાર્ય માટેની માગમાં લગભગ છ ગણો વધારો થયો હોવાનું આ કાર્ય કરી આપતી એજન્સીઓ જણાવે છે. 



કંપનીઓ સામેના પડકારો
હાલના સમયમાં કૉર્પોરેટ્સનું કદ જેમ-જેમ વધતું જાય એમ-એમ એની સામેનાં જોખમો પણ વધતાં જાય છે. કંપનીના સુવહીવટ માટેના કૉર્પોરેટ ગવર્નન્સનાં ધોરણો કડક બની રહ્યાં છે એવામાં અંદરનાં અને બહારનાં તમામ પ્રકારનાં જોખમોને ઓળખીને એને ખાળવાનું વધુ જરૂરી બન્યું છે. કૉર્પોરેટ્સે વિવિધ પ્રકારના દગાફટકા અને સાઇબર અટૅકથી પણ બચીને ચાલવાનું હોય છે. આવા સંજોગોમાં કંપનીઓના કર્મચારીઓથી માંડીને ટોચના અધિકારીઓ સુધીના તમામ સ્તરના લોકો નીતિપૂર્ણ કામ કરે છે કે નહીં એના પર નજર રાખવાની જરૂર છે.૩૬૦ ડિગ્રી દેખરેખ કૉર્પોરેટ્સ માટે બારીક નજર રાખનારી એજન્સીઓના અધિકારીઓ જણાવે છે કે દરેક વ્યક્તિના ક્રિમિનલ રેકૉર્ડ્સ, નિયમોનું પાલન કરવાની નીતિ, સોશ્યલ મીડિયા પર કરવામાં આવતી ટિપ્પણીઓ અને રજૂ કરાતા વિચારો-વ્યવહારો, સેક્સ્યુઅલ ગેરવર્તન એ બધાથી લઈને પારિવારિક ઝઘડાઓ, લગ્નજીવન વગેરે બાબતે લક્ષ આપવામાં આવે છે. ટૂંકમાં ૩૬૦ ડિગ્રી દેખરેખ રાખવામાં આવે છે.


જાણવા મળ્યું છે કે છેલ્લા છથી ૧૨ મહિનામાં અનેક કૉર્પોરેટ્સે પોતાના ઉચ્ચાધિકારીઓ માટે આવી દેખરેખ રાખવા માટેના કૉન્ટ્રૅક્ટ આપ્યા છે. એના માટે દોઢ લાખથી લઈને સાત લાખ રૂપિયા સુધીની ફી લેવામાં આવે છે. 

પ્રતિષ્ઠા ખરડાવાનો ડર
ખાસ કરીને ફાઇનૅન્સ, મર્જર ઍન્ડ ઍક્વિઝિશન્સ, ઑપરેશન્સ વગેરે જેવી મહત્ત્વપૂર્ણ કામગીરી સંભાળતા પ્રોફેશનલ્સ પર નજર રાખવા માટે આવી સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ પોતાના અધિકારોનો નીતિપૂર્વક ઉપયોગ કરે છે કે કેમ એ જોવાની જવાબદારી સોંપવામાં આવે છે. કૉર્પોરેટ્સે અધિકારીઓનાં રાજકારણ વિશેનાં મંતવ્યો સંબંધે પણ જાગરૂક રહેવું પડે છે, કારણ કે કોઈ પણ અપ્રિય કે અણછાજતી ટિપ્પણી કે વિચારો કંપનીને નુકસાન પહોંચાડી શકે છે. આ જ રીતે તેમની સેક્સ્યુઅલ ગતિવિધિઓ પર પણ ચાંપતી નજર રાખવી પડે છે, કારણ કે એમાં કોઈ પણ અનિચ્છનીય વર્તન-વ્યવહાર હોય તો કૉર્પોરેટની પ્રતિષ્ઠા ખરડાઈ જાય છે. વૉચ રાખનારી કંપનીઓના અધિકારીઓ જણાવે છે કે તેમના કાર્યમાં સંબંધિત વ્યક્તિના સોશ્યલ મીડિયા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કઈ રીતે કરે છે એ પણ જોવામાં આવે છે. એમાં કોઈ પણ વાંધાજનક વલણ દેખાય તો ક્લાયન્ટને તત્કાળ એની જાણ કરવામાં આવે છે. 


પ્રાઇવેટડિટેક્ટિવનો પણ ઉપયોગ
લોકોની સામાજિક પાર્શ્વભૂ જાણવા માટેની એજન્સીઓ ઉપરાંત ખાનગી ડિટેક્ટિવ એજન્સીઓની પણ મદદ લેવામાં આવે છે. એટલું જ નહીં, કંપનીની અંદર ખબરીઓ પણ ગોઠવી દેવામાં આવે છે. આ કામ ‘શોલે’ ફિલ્મના હરિરામ નાઈની પ્રવૃત્તિ જેવું છે. હરિરામ જે રીતે ‘જેલ મેં સુરંગ’ની ખબર લઈ આવે છે એવી જ રીતે વર્તમાન સમયના ખબરીઓ કૉર્પોરેટ્સના કાર્યમાં રહેલાં છીંડાં શોધી આપવામાં મદદરૂપ થાય છે.

કોઈ સિનિયર અધિકારી પોતાની કાબેલિયતને કારણે કંપનીના વિકાસ માટે ઘણું સારું કામ કરી રહ્યો હોય, પરંતુ જો તેનું સેક્સ્યુઅલ વર્તન અણછાજતું હોય તો કંપનીની આબરૂ ધોવાઈ જવાનું જોખમ રહે છે. જો તેના લગ્નજીવનમાં કે કૌટુંબિક જીવનમાં ખટરાગ હોય તો એની અસર તેના કામ પર થઈ શકે છે. તેણે ક્યાંક અનીતિપૂર્વક રોકાણ કર્યું હોય તો કૉર્પોરેટ સુવહીવટ પર કલંક લાગી શકે છે. ભૂતકાળમાં તેનાથી જાણતાં-અજાણતાં કોઈ ગુનાકીય પ્રવૃત્તિ થઈ ગઈ હોય તો એની અસર વર્તમાન ભૂમિકા પર પણ થઈ શકે છે. ટૂંકમાં, અંગત જીવનની કોઈ પણ બાબત કૉર્પોરેટ્સની કામગીરી, પ્રતિષ્ઠા કે ભાવિ વિકાસ પર થઈ શકતી હોવાથી સમસ્યાને ઊગતી જ ડામી દેવી જરૂરી બને છે અને એમાં વર્તમાન યુગની ડિટેક્ટિવ કંપનીઓ મદદરૂપ થવા લાગી છે. 

પ્રાઇવસીનો ભંગ?
કૉર્પોરેટ્સના ઉચ્ચાધિકારીઓના જીવનમાં ડોકિયું કરવાની આ રીતને પ્રાઇવસીનો ભંગ ગણવામાં આવવો જોઈએ એવો પણ એક મત છે, પરંતુ જે રીતે જાહેર જીવનના માણસોનું જીવન અંગત રહેતું નથી એ જ રીતે ઊંચા હોદ્દાઓ પર બેઠેલા અને મોટી સંખ્યામાં બીજા લોકોના જીવન પર કે કૉર્પોરેટ્સના ભાવિ પર અસર કરનારા લોકોનું અંગત જીવન પણ કૅમેરાની આંખમાં આવી જાય છે. આમ છતાં, પ્રાઇવસીના ભંગનો અને કૉર્પોરેટ્સની સુરક્ષાનો આ મામલો વધુ વિચાર માગી લે એવો છે.

આ કિસ્સાઓ જાણવા જેવા
અહીં પંજાબ નૅશનલ બૅન્કનો કિસ્સો જાણવા જેવો છે. નીરવ મોદીની સાથે મળીને બૅન્કના એક અધિકારીએ એટલો મોટો દગો કર્યો કે બૅન્કે એનું ગંભીર પરિણામ ભોગવવું પડ્યું. આ અધિકારી સામાન્ય સ્તરનો હતો, પરંતુ તેણે ઘણી મોટી અસર કરનારું કૃત્ય કર્યું હતું. એક ડિટેક્ટિવ ઍજન્સીએ જણાવ્યા અનુસાર બાંધકામ ક્ષેત્રની એક મધ્યમ સ્તરની કંપનીના અધિકારીના છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી હતી. એને લીધે ઘણી વાર તે ઑફિસમાં આવી શકતો નહોતો. એને લીધે તેની કામગીરી પર પ્રતિકૂળ અસર થવા લાગી હતી. શરૂઆતમાં કંપનીને આ વાતની ખબર નહોતી. કંપનીની નીતિ અનુસાર તેણે કોઈ કાનૂની ખટલો ચાલતો હોય તો કંપનીને એની જાણ કરવી જરૂરી હતી, પરંતુ તેણે એમ કર્યું નહોતું. કંપનીને જ્યારે તેના અંગત જીવનની સમસ્યાની જાણ થઈ ત્યારે તેની નબળી કામગીરીને લીધે તેને અપાનારું બોનસનું પ્રમાણ ઘટાડી દેવાયું હતું. 

એક કંપનીના સિનિયર ઑફિસરે ક્યારેક કોઈ રેસ્ટોરાંમાં કોઈક સાથે મારપીટ કરી હતી અને એ કિસ્સામાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) થયો હોવા છતાં તેણે કંપનીને જાણ કરી નહોતી. દેખરેખ રાખનારી કંપનીએ તપાસ કરી ત્યારે એને આ વાતની જાણ થઈ. અન્ય એક કિસ્સામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના એક સિનિયર મૅનેજરે અંદરની વાત પ્રતિસ્પર્ધી કંપનીને પહોંચાડી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 06:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK