Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચાઇનીઝ અને રેસ્ટથી ક્રૂડ કૉમોડિટી અને વિશ્વ બજારો બેબાકળાં બન્યાં, સેન્સેક્સ નિફ્ટીમાં નવાં શિખર થયાં

ચાઇનીઝ અને રેસ્ટથી ક્રૂડ કૉમોડિટી અને વિશ્વ બજારો બેબાકળાં બન્યાં, સેન્સેક્સ નિફ્ટીમાં નવાં શિખર થયાં

29 November, 2022 04:22 PM IST | Mumbai
Anil Patel

ફિનો પેમેન્ટ બૅન્કમાં સવાપાંચ ટકાની પીછેહઠ, ડીસીબી બૅન્ક નવી ટોચે : રુસ્તમજીની કિસ્ટોન નવા તળિયે, બિકાજી ફૂડ્સ જોરમાં, મેદાન્તા ફેમ ગ્લોબલ હેલ્થ સવાચાર ટકા મજબૂત 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


પ્રારંભિક નબળાઈ બાદ સેન્સેક્સ નીચલા મથાળેથી ૭૪૧ પૉઇન્ટ ઊંચકાયો, માર્કેટકૅપ ૨૮૫.૮૯ લાખ કરોડ રૂપિયાની નવી ટોચે : માર્ક મોબિયસની બીટકૉઇન ગગડીને ૧૦ હજાર ડૉલરે જવાની આગાહી : ક્રૂડ વર્ષના તળિયે જતાં ઑઇલ ગૅસ તથા એનર્જી ઇન્ડેક્સ નવા બેસ્ટ લેવલે ગયા, રિલાયન્સ સાડાત્રણ ટકાની તેજી સાથે રાજાપાઠમાં બજારને ૨૭૬ પૉઇન્ટ ફળ્યો : કમ્પ્યુએજ ઇન્ફો પરિણામ પાછળ વૉલ્યુમ સાથે ઊછળ્યો, ઇન્ફી નરમ : ફિનો પેમેન્ટ બૅન્કમાં સવાપાંચ ટકાની પીછેહઠ, ડીસીબી બૅન્ક નવી ટોચે : રુસ્તમજીની કિસ્ટોન નવા તળિયે, બિકાજી ફૂડ્સ જોરમાં, મેદાન્તા ફેમ ગ્લોબલ હેલ્થ સવાચાર ટકા મજબૂત 

ચાઇનામાં કોવિડનો ઉત્પાત વધતાં સત્તાવાળા કડક બન્યા છે અને તેમની સખ્તાઈ સામે લોકો શેરીઓમાં ઊતરી આવ્યા છે. રીઓપનિંગ હાંસિયામાં હડસેલાઈ ગયું છે. એની અસરમાં ક્રૂડ અને કૉમોડિટીના ભાવ વિશ્વ સ્તરે ગગડવા લાગ્યા છે. બ્રેન્ટક્રૂડ ૮૧ ડૉલર તો નાયમેક્સ ક્રૂડ ૭૪ ડૉલર આસપાસની વર્ષની નવી નીચી સપાટીએ પહોંચી ગયાં છે. ચાઇનીઝ ઘટના ક્રમમાં સોમવારે તમામ અગ્રણી એશિયન બજારો ઘવાયાં છે. હૉન્ગકૉન્ગ ૧.૬ ટકા, સાઉથ કોરિયા સવા ટકો, તાઇવાન દોઢ ટકા, શાંઘાઈ માર્કેટ પોણો ટકો બગડયા છે. યુરોપ રનિંગમાં પોણાથી એકાદ ટકો નરમ હતું. બુધવારે અમેરિકન ઇકૉનૉમીના થર્ડ ક્વૉર્ટર માટેના જીડીપીનો સેકન્ડ એ​સ્ટિમેટ તેમ જ કૉર્પોરેટ અર્નિંગનો પ્રાથમિક અંદાજ જાહેર થવાનો છે. જેના ઉપર વૈશ્વિક બજારોની નજર રહેશે. ઘરઆંગણે પણ એજ દિવસે સેકન્ડ ક્વૉર્ટરના જીડીપીના ડેટા આવશે. ધારણા એકંદર ૬.૩ ટકા આસપાસના વિકાસદરની રખાય છે. 



સેન્સેક્સ ગઈ કાલે ૨૬૭ પૉઇન્ટ માઇનસમાં ખૂલીને તરત જ ૬૧,૯૬૦ નીચે ગયો હતો. જે એની ઇન્ટ્રા-ડે બૉટમ બની છે. જોકે આ પ્રારંભિક નબળાઈ ક્ષણિક હતી. બજાર તરત બેઠું થઈ આખો દિવસ પૉઝિટિવ ઝૉનમાં રહ્યું હતું. ઉપરમાં ૬૨,૭૦૧ની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરીને શૅરઆંક અંતે ૨૧૧ પૉઇન્ટ વધી ૬૨,૫૦૫ના બેસ્ટ લેવલે બંધ થયો છે. નિફ્ટી ૫૦ પૉઇન્ટની આગેકૂચમાં ૧૮,૫૬૩ની નવી વિક્રમી સપાટીએ બંધ આવ્યો છે. ઇન્ટ્રા-ડેમાં અહીં ૧૮,૬૧૪ની વિક્રમી સપાટી ટૉપ બની હતી. ચાઇનીઝ ફૅક્ટરમાં વૈશ્વિક મેટલ ભાવો ગગડતાં ઘરઆંગણે પણ મેટલ ઇન્ડેક્સ ૯માંથી ૮ શૅરના ઘટાડે દોઢ ટકા ડૂલ થયો છે. નિફ્ટી મેટલ બેન્ચમાર્ક ૧૫માંથી ૧૧ શૅરની નરમાઈમાં ૧.૧ ટકા પીગળ્યો છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ દોઢ ટકા તો એની હૂંફમાં એનર્જી બેન્ચમાર્ક ૧.૪ ટકાની તેજીમાં નવી ઑલટાઇમ હાઈમાં ગયા છે. આઇટી ઇન્ડેક્સ નજીવો ૧૯ પૉઇન્ટ પ્લસ હતો. હેલ્થકૅર, ફાર્મા તથા રિયલ્ટી સામાન્ય સુધર્યા છે. માર્કેટ બ્રેડથ પૉઝિટિવ હતી. એનએસઈમાં ૧૧૮૫ શૅર પ્લસ તો ૮૧૫ જાતો ઘટીને બંધ રહી છે. નિફ્ટી ઑટો ૧૫માંથી ૧૧ શૅરના સથવારે અડધા ટકાથી વધુ અપ હતો. 


રિલાયન્સ તગડા જમ્પમાં પાંચ માસની ટોચે ગ્રુપના અન્ય શૅર પણ સુધર્યા 

સોમવારે સેન્સેક્સ ૩૦માંથી ૧૬ અને નિફ્ટીના ૫૦માંથી ૨૫ શૅર પ્લસ હતા. રિલાયન્સ ૨૫૮૫ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૨૭૨૨ બતાવી ૩.૫ ટકા કે ૯૧ રૂપિયાના ઉછાળે ૨૭૦૮ બંધ આપી સેન્સેક્સમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. એની તેજીથી બજારને ૨૭૬ પૉઇન્ટનો લાભ થયો છે. રિલાયન્સ ગ્રુપના અન્ય શૅરમાં રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા બે ટકા, આલોક ઇન્ડ. પાંચ ટકા, હેથવે કેબલ અડધો ટકો, ડેન નેટવર્ક અડધો ટકો, નેટવર્ક ૧૮ સવા ટકો, ટીવી ૧૮ સાધારણ, જસ્ટ ડાયલ અડધો ટકો, સ્ટર્લિંગ વિલ્સન દોઢ ટકા પ્લસ હતા. નિફ્ટી ખાતે ભારત પેટ્રોલિયમ પાંચ ટકાના જમ્પમાં ૩૪૧ બંધ આપીને મોખરે હતો. હીરો મોટોકૉર્પ ભાવવધારાની અસરમાં ૨.૪ ટકા વધીને ૨૭૭૩ થયો છે. અન્યમાં એશિયન પેઇન્ટસ, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, નેસ્લે, બજાર ઑટો, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ડિવીઝ લૅબ, તાતા કન્ઝ્યુમર, ઍ​​ક્સિસ બૅન્ક, બજાજ ફિનસર્વ જેવી જાતો પોણાથી પોણા બે ટકા વધી છે. સામે પક્ષે હિન્દાલ્કો ૨.૧ ટકા, JSW જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૪ ટકા, અપોલો હૉસ્પિટલ્સ દોઢ ટકા, તાતા સ્ટીલ સવા ટકા, ગ્રાસિમ એક ટકા નરમ જોવાયા છે. 


અદાણી ગ્રુપ ખાતે અદાણી પાવર દોઢ ટકો પ્લસ તથા અદાણી ટોટલ ૧.૮ ટકા ડાઉન હતા. એનડીટીવી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૪૦૬ વટાવી ત્યાં જ હતી. સરકારની ૬૪.૭૫ ટકા માલિકીની એમએસટીસી લિમિટેડ ૧૮ ગણા કામકાજમાં ૩૩૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૨૦ ટકાની તેજી દાખવી ત્યાં જ હતી. અન્ય પીએસયુમાં ભેલ ૮૫ નજીક વર્ષની ટૉપ બતાવી પોણો ટકો ઘટી ૮૧ હતો. એ​ન્જિનિયર્સ ઇન્ડિયા દોઢા વૉલ્યુમે ૮૬ની નવી મ​લ્ટિયર ટૉપ બાદ ૪.૪ ટકા ઊછળી ૮૪ થયો છે. એચએમટી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૩૫ના નવા શિખરે ગયો છે. આ ઉપરાંત હુડકો, ઇરોકન, આઇઆરએફસી લિમિટેડ, રેલ વિકાસ નિગમ, સતલજ જલ વિદ્યુત નિગમ જેવી સરકારી કંપનીઓ ગઈ કાલે નવા ઐતિહાસિક સ્તરે ગઈ હતી. બીએસઈનો પીએસયુ બેન્ચમાર્ક ૫૫માંથી ૩૪ શૅરના સથવારે ૧૦,૦૫૦ની મ​​​લ્ટિયર ટૉપ બનાવી અડધો ટકો વધી ૧૦,૦૩૨ બંધ થયો છે. ૨૦ જૂને અહીં ૭૫૩૯ની વર્ષની બૉટમ બની હતી. માર્ક મોબિયસે બીટકૉઇન ગગડીને ૧૦ હજાર ડૉલરે થવાની આગાહી કરી છે. ભાવ રનિંગમાં ૧૬,૨૨૬ ડૉલરે દેખાતો હતો. 

સરકારી તેલ કંપનીઓની આગેવાની હેઠળ એનર્જી શૅરો લાઇમલાઇટમાં 

ક્રૂડના ભાવ ગગડતાં ઘરઆંગણે સરકારી તેલ કંપનીઓની માર્કેટિંગ લૉસ ઘટવાની ગણતરી છે. રિલાયન્સનું ગ્રૉસ રિફાઇનિંગ માર્જિન વધવાનું છે એ ધારણા હેઠળ ગઈ કાલે ઑઇલ ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅરની મજબૂતીમાં ૨૦,૬૧૨ની ઑલટાઇમ હાઈ બનાવી દોઢ ટકા કે ૨૯૯ પૉઇન્ટ વધીને ૨૦,૪૪૦ બંધ હતો. તો એનર્જી ઇન્ડેક્સ ૨૭માંથી ૧૮ શૅરના સુધારામાં ૯૦૨૧ની વિક્રમી સપાટીએ જઈ ૧.૪ ટકા કે ૧૨૭ પૉઇન્ટ વધી ૮૯૫૫ રહ્યો છે. રિલાયન્સની સાડાત્રણ ટકાની તેજી ઑઇલ-ગૅસ ઇન્ડેક્સને ૧૪૦ પૉઇન્ટ અને એનર્જી ઇન્ડેક્સને ૧૦૨ પૉઇન્ટ ફળી હતી. આ સિવાય અહીં ચેન્નાઇ પેટ્રો પાંચ ટકા, હિન્દુ. પેટ્રોલિયમ ૫.૪ ટકા, ભારત પેટ્રો પાંચ ટકા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ ત્રણ ટકા, સવિતા ઑઇલ ૬.૯ ટકા, ઇન્ડિયન ઑઇલ ૩.૮ ટકા, એમઆરપીએલ ૩.૩ ટકા, પનામા પેટ્રો દોઢ ટકા, ગુજરાત ગૅસ અઢી ટકા, મહાનગર ગૅસ ૧.૮ ટકા મજબૂત હતા. જીએસપીએલ ૨.૪ ટકા ઘટીને ૨૭૨ રહી છે.

આઇટી બેન્ચમાર્ક ૧૯ પૉઇન્ટ કે ૦.૧ ટકા આગળ વધ્યો છે. અહીં ૬૧માંછી ૩૯ શૅર વધ્યા છે. રામકો સિસ્ટમ્સ સાત ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૮૩ વટાવી ૧૫.૮ ટકાના જમ્પમાં ૨૭૭ થયો છે. તાન્લા પ્લૅટફૉર્મ ૧૧ ટકા, એચસીએલ ઇન્ફ્રો સવાત્રણ ટકા, એએસએમ ટેક્નૉ. ૩.૨ ટકા અને સોનાટા સૉફ્ટ છ ટકા પ્લસ હતા. ફ્રન્ટલાઇનમાં ટીસીએસ અને ટેક મહિન્દ્ર સાધાણ વધઘટે બંધ હતા. વિપ્રો પોણો ટકા વધ્યો છે. ભારતી ઍરટેલ એક ટકો નરમ હતો. અશોક લેલૅન્ડ, બજાજ ઑટો, ટીવીએસ મોટર્સ, હીરો મોટોકૉર્પના એકથી ૨.૪ ટકાના સુધારામાં ઑટો ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ સુધર્યો છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ છ ટકા ઊંચકાઈને ૨૭૪૫ હતો. મહિન્દ્ર પોણો ટકો તો એસ્કોર્ટસ ૦.૯ ટકા ઘટ્યા છે. મારુતિ નહીંવત નરમ હતો. 

કમ્પ્યુએજ ઇન્ફો ૫.૪ ટકા તથા રાઇટ રિનાઉન્સિએશન ૪૦ ટકા ઊંચકાયો 

કમ્પ્યુએજ ઇન્ફોકૉમ સાડાત્રણ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૭ થઈ ૫.૪ ટકાની મજબૂતીમાં ૨૬ નજીક બંધ થયો છે. એનો  રાઇટ રિનાઉન્સિએશન લગભગ ૪૦ ટકાના ઉછાળામાં ૨.૦૮ રૂપિયાને બેસ્ટ લેવલે ગયો છે. કંપની ૨૫ શૅરદીઠ આઠ શૅરના ધોરણે શૅરદીઠ ૨૦ના ભાવથી રાઇટ લઈને આવેલી છે. જે ૨ ડિસેમ્બરના રોજ બંધ થશે, શૅરની ફેસવૅલ્યુ બેની છે. કંપનીએ સપ્ટે. ક્વૉર્ટરમાં ૧૦.૮ ટકાના વધારામાં ૧૨૪૨ કરોડ રૂપિયાની આવક ઉપર ૧૧.૪ ટકાના વધારામાં ૮૪૧ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. કંપનીમાં પ્રમોટર્સ હો​લ્ડિંગ ૪૮.૬ ટકાનું છે. રાઇટ ઇશ્યુનો ભાવ માત્ર પાંચનો પી/ઈ સૂચવે છે. 

તાજેતરમાં લિસ્ટેડ થયેલી બિકાજી ફૂડ્સનાં પરિણામ ૬ ડિસેમ્બરના રોજ છે. શૅર ઉપલી સર્કિટે ૪૩૦ની વિક્રમી સપાટી બાદ ૯.૨ ટકા વધી ૪૨૭ બંધ હતો. મેદાન્તા ફેમ ગ્લોબલ હેલ્થ સવાચાર ટકા વધીને ૪૭૦, રૂસ્તમજીની કિસ્ટોન રિયલ્ટર્સ ૫૫૩ના ઑલટાઇમ તળિયે જઈ સવાબે ટકા ઘટી ૫૫૫, ફાઇવસ્ટાર બિઝનેસ સવાબે ટકા ઘટીને ૫૦૧ તથા પેસ ઈ-કૉમર્સ પાંચ ટકાની મંદીની સર્કિટે ૩૪ બંધ હતાં. હાઈ પ્રોફાઇલ ફિન ટેક કંપનીઓમાં નાયકા દોઢ ટકો વધી ૧૭૯, પૉલિસી બાઝાર પોણાબે ટકા બગડી ૪૫૨, પેટીએમ પોણો ટકો ઘટીને ૪૬૨ તો ઝોમૅટો પોણો ટકો સુધરી ૬૪ રહ્યો છે. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાં ૧૫૦ના બંધ સામે ૨૦૦ના ભાવે બાયબૅક નક્કી થયું છે, પણ શૅર દોઢ ટકાની નરમાઈમાં ૧૪૮ થયો છે. વેદાન્તા શૅરદીઠ સાડાસતર રૂપિયાના ઇન્ટરિમમાં ૨૯મીએ એક્સ ડિવિડન્ડ થશે, શૅર સોમવારે બે ટકાની ખરાબીમાં ૩૧૦ હતો. નોમુરા તરફથી વાટેક વાબેગમાં ૪૮૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ જાળવી રખાયું છે, શૅર સવાચાર ટકા વધીને ૩૨૪ બંધ હતો. 

આઇસીઆઇસીઆઇ બૅન્ક, ડીસીબી બૅન્ક તથા આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક નવા બેસ્ટ લેવલે

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરના સુધારે ૩૬ પૉઇન્ટ જેવો તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી પાંચ શૅર પ્લસમાં આપી નહીંવત્ વધ્યો છે. અહીં બંધન બૅન્ક બે ટકા તો યુનિયન બૅન્ક ૩.૭ ટકા પ્લસ હતો. કૅનરા બૅન્ક એક ટકો નરમ રહી છે. સમગ્ર બૅ​ન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૨૦ શૅર વધ્યા છે. ડીસીબી બૅન્ક ૧૨૭ના બેસ્ટ લેવલે જઈ સાડાત્રણ ટકા ઊછળી ૧૨૬, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૯૪૪ની ઑલટાઇમ હાઈ દેખાડી પોણો ટકો વધી ૯૩૬ તો આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૬૦ના નવા શિખર બાદ સવાટકો સુધરી ૫૯ બંધ હતી. ફિનો પેમેન્ટ બૅન્ક સવાપાંચ ટકા તૂટીને સર્વાધિક ૬૭ પૉઇન્ટ નડી છે. આઇડીબીઆઇ બૅન્ક સવાચાર ટકા ઊંચકાઈને ૫૩ વટાવી ગઈ છે. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૯માંથી ૮૮ શૅર વધવા છતાં નામ કે વાસ્તે જ સુધર્યા છે. જીઆઇસી હાઉસિંગ પાંચ ગણા કામકાજે ૧૭૫ની વિક્રમી સપાટીએ જઈ સાડાઆઠ ટકાના જમ્પમાં ૧૭૦ હતી. યુગ્રો કૅપિટલ સવાસાત ટકા, આઇઆરએફસી પોણાછ ટકા, બૅન્ગોલ ઍન્ડ આસામ કંપની સવાપાંચ ટકા, આદિત્ય બિરલા સનલાઇફ પોણાચાર ટકા મજબૂત હતા. જનરલ ઇન્શ્યૉરન્સ ૧૫૦નું નવું શિખર મેળવી એક ટકો વધીને ૧૪૬ તો ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ સવાપાંચ ટકાના ઉછાળે ૧૦૧ બંધ આવ્યો છે. એચડીએફસી પોણા ટકાથી વધુની કમજોરીમાં ૨૫૫૯ હતો.

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2022 04:22 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK