મસ્કે ઍક્સ પર એક યુઝરના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે એમનો પક્ષ બિટકૉઇન સ્વીકારશે અને પરંપરાગત કરન્સી નકામી છે.
પ્રતીકાત્મક તસવીર
ટેસ્લાના સ્થાપક અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સના માલિક ઈલૉન મસ્કે એમના નવા રાજકીય પક્ષ – ધ અમેરિકન પાર્ટી બિટકૉઇન સ્વીકારશે એવું જાહેર કરવા છતાં બિટકૉઇનના ભાવ પર સોમવારે ધારી અસર થઈ નહોતી. એટલું જ નહીં, એમના ફેવરિટ ડોઝકૉઇનના ભાવમાં પણ વધારો થવાને બદલે ઘટાડો થયો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે સોમવારે રાત્રે બિટકૉઇનના ભાવમાં ૦.૬૯ ટકા ઘટાડો થઈને ભાવ ૧,૦૮,૧૭૩ ડૉલર ચાલી રહ્યો હતો. આ જ રીતે ડોઝકૉઇન ૧.૦૯ ટકા ઘટીને ૦.૧૬૯૩ પર પહોંચ્યો હતો.
મસ્કે ઍક્સ પર એક યુઝરના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે એમનો પક્ષ બિટકૉઇન સ્વીકારશે અને પરંપરાગત કરન્સી નકામી છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે ટેસ્લા પાસે હાલ ૧૧,૫૦૯ બિટકૉઇન છે જેનું મૂલ્ય આશરે ૧.૨૫ અબજ ડૉલર થાય છે. અગાઉ કંપનીએ ટેસ્લા કારની ખરીદી બિટકૉઇનથી કરી શકાશે એવું જાહેર કર્યું હતું, પરંતુ ૨૦૨૧માં એ પગલું પાછું ખેંચી લેવાયું હતું. મસ્ક ડોઝકૉઇનના જબ્બર સમર્થક છે, પરંતુ સોમવારે આ કૉઇન પણ ભાવમાં વૃદ્ધિ આગળ વધારી શક્યો નહોતો. નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને મસ્ક વચ્ચે તીવ્ર મતભેદ ચાલી રહ્યા હોવાથી રોકાણકારો હાલ ઉક્ત બન્ને કૉઇનમાં રસ લઈ રહ્યા નથી.
દરમ્યાન, સોમવારે વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટના કૅપિટલાઇઝેશનમાં નહીંવત્ ફેરફાર થતાં મૂલ્ય ૩.૩૬ ટ્રિલ્યન ડૉલર હતું.

