મે મહિના પછીનો સતત ચોથો વધારો

શક્તિકાંત દાસ
દેશમાં વ્યાજદર ફરી એક વાર વધ્યા છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ શુક્રવારે બેન્ચમાર્ક ધિરાણ દરમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો છે, જે મે મહિના પછીનો સતત ચોથો વધારો છે, કારણ કે તેણે ઊંચા ફુગાવાને કાબૂમાં લેવા માટે તેની લડાઈને લંબાવી છે. જોકે ફેડના વ્યાજદરમાં વધારા પછી રિઝર્વ બૅન્કનો આટલો વધારો બજારને અપેક્ષા મુજબનો જ છે.
આરબીઆઇના ત્રણ સભ્યો અને ત્રણ બાહ્ય નિષ્ણાતોનો સમાવેશ કરતી મૉનેટરી પૉલિસી કમિટી (એમપીસી)એ મુખ્ય ધિરાણદર અથવા રેપોરેટ વધારીને ૫.૯૦ ટકા કર્યો, જે એપ્રિલ ૨૦૧૯ પછીનો સૌથી ઊંચો દર છે. કમિટીના છમાંથી પાંચ સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું.
રિઝર્વ બૅન્કે મે મહિનામાં અણધાર્યો વધારો કર્યા બાદ અત્યાર સુધીમાં કુલ ૧૯૦ બેસિસ પૉઇન્ટનો વધારો થઈ ચૂક્યો છે.
લોનની રિકવરી માટે આઉટસોર્સિંગનો વિરોધ નથી, પરંતુ કાયદાનું અનુસરણ જરૂરી : રિઝર્વ બૅન્ક
રિઝર્વ બૅન્કે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે તે ધિરાણકર્તાઓ દ્વારા વસૂલાત પ્રવૃત્તિઓના આઉટસોર્સિંગની વિરુદ્ધ નથી, પરંતુ તે ‘કાયદાની સાચી બાજુ’ પર હાથ ધરવામાં આવે તેવી અપેક્ષા રાખે છે. કેન્દ્રીય બૅન્કે ગયા અઠવાડિયે મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ફાઇનૅન્શિયલ સર્વિસિસને લોનની વસૂલાત માટે તૃતીય પક્ષ એજન્ટોને જોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, ઝારખંડના હજારીબાગ જિલ્લાની ૨૭ વર્ષીય સગર્ભા મહિલાને કથિત રીતે રિકવરી એજન્ટો દ્વારા ચલાવવામાં આવતા ટ્રૅક્ટર હેઠળ કચડી નાખવામાં આવી હોવાનો વિડિયો સામે આવ્યો હતો. મહિન્દ્ર ફાઇનૅન્સ સામે કરાયેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં, આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર એમ. કે. જૈને પત્રકારોને જણાવ્યું હતું કે તેનો હેતુ તેમની વસૂલાત માટે રેગ્યુલેટેડ એન્ટિટીના અધિકારને છીનવી લેવાનો નથી. ‘અમે અપેક્ષા રાખીએ છીએ કે તે કાયદાની સાચી બાજુએ હોવું જોઈએ.’