ગ્રીસ આવતા વર્ષથી ક્રિપ્ટોકરન્સીને લગતાં નિયમનો અને કરવેરાનું માળખું લાગુ કરવાનું આયોજન ધરાવે છે
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે વધુ ઘટાડો થયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૦.૬૭ ટકા (૫૫૧ પૉઇન્ટ) ઘટીને ૮૧,૫૩૮ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૨,૦૮૯ ખૂલીને ૮૩,૦૦૨ની ઉપલી અને ૮૦,૫૧૫ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી એક્સઆરપી, કાર્ડાનો, પોલિગૉન અને લાઇટકૉઇન ૨થી ૪ ટકાની રેન્જમાં ઘટ્યા હતા. સોલાના, ટોનકૉઇન અને ટ્રોન વધ્યા હતા.
દરમ્યાન ગ્રીસ આવતા વર્ષથી ક્રિપ્ટોકરન્સીને લગતાં નિયમનો અને કરવેરાનું માળખું લાગુ કરવાનું આયોજન ધરાવે છે. એના માટે વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે, જે નવા નિયમો સંબંધે પોતાનો અહેવાલ નાણાં મંત્રાલયને સુપરત કરશે. બીજી બાજુ, બૅન્ક ફૉર ઇન્ટરનૅશનલ સેટલમેન્ટ્સે બૅન્કો માટે ક્રિપ્ટોમાં એક્સપોઝર રાખવા બાબતે નવા નિયમો લાગુ કર્યા છે. હવે બૅન્કોએ પોતાના ક્રિપ્ટોકરન્સીના વ્યવહારોની સંપૂર્ણ જાણકારી પૂરી પાડવાની રહેશે.